ડિંડોલીમાં ધમકાવીને વેપારી ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાયો
મૈયતમાં આવ્યા છો તો મોટેથી વાત કેમ કરો છો?-ઝઘડાની અદાવતમાં પરિચિતના છોકરાએ યુવાન વેપારી ઉપર ચપ્પુ વડે હુમલો કરી પાંચ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ
સુરત, સુરતમાં ક્રાઇમના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતો શાકભાજીનો વેપારી ગતરોજ ગોપીતળાવ મોટા કબ્રસ્તાન પાસે મૈયતમાં ગયો હતો. જ્યા જુના મિત્ર સાથે વાત કરતો હતો તે દરમિયાન પરિચિતના છોકરાએ કેમ મોટેથી વાત કરો છો, પોલીસ આવશે તો પકડી લેશે કહી ઝઘડો કર્યો હતો.
બાદમાં તે ઝઘડાની અદાવતમાં પરિચિતના છોકરાએ યુવાન વેપારી ઉપર ચપ્પુ વડે હુમલો કરી પાંચ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતના ડિંડોલી ભેસ્તાન આવાસ બિલ્ડીંગ શાહરુખઅલી મુજ્જફરઅલી સૈયદ ભાગળ કાંસકીવાડ ખાતે શાકભાજીની લારી લઈ ઉભો રહે છે. ગતરોજ મહોલ્લામાં રહેતા એક વ્યક્તિની મૈયત થતા દફનવિધિમાં હાજરી આપવા તે ગોપીતળાવ મોટા કબ્રસ્તાન ખાતે આવ્યો હતો. શાહરુખઅલી અગાઉ નમકવાલી ગલીમાં રહેતો હતો.
ત્યાં રહેતો તેનો મિત્ર સઈદભાઈ મળી જતા બંને ત્યાં વાત કરતા હતા. આ દરમિયાન પરિચિત મુસ્તાક સૈયદ લાંબાનો છોકરો આવ્યો હતો અને તેને મોટેથી ધમકાવ્યો હતો. મોટા અવાજે તેણ કહ્યું હતું કે, અહીં કેમ મોટેથી વાત કરો છો, પોલીસ આવશે તો પકડી લેશે, તું અહીંથી ચાલ્યો જ તેમ કહી ગાળાગાળી કરતા બંને વચ્ચે મારામારી થઈ હતી. બાદમાં શાહરુખઅલી એક પરિચિતના ઘરે આરામ કરવા બપોરે જતો હતો ત્યારે મુસ્તાક સૈયદ લાંબાના છોકરાએ પાછળથી આવી ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
જેમાં તે છોકરાએ શાહરુખઅલીને ઉપરાછાપરી પાંચ ઘા ઝીંકતા માથામાં પાછળ, છાતીની ડાબી બાજુ, ડાબા બાવડાના ભાગે, પીઠમાં, ડાબા પડખાના ભાગે અને જમણા કાનના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી. ચપ્પુ ડાબા પડખાના ભાગે ખુલી જતા નીકળ્યું ન હતું. આ જ સ્થિતિમાં શાહરુખઅલીને સારવાર માટે સ્થાનિકો સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. બનાવની જાણ થતા સલાબતપુરા પોલીસે શાહરુખઅલીની ફરિયાદના આધારે મુસ્તાક સૈયદ લાંબાના છોકરા વિરુદ્ધ ગુનો નોંધી અઠવા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. SSS