ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં મંજુરી આડે અનેક ખતરા
સરકાર દ્વારા આરબીઆઈ અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન સમક્ષ રજૂઆત: હેકિંગને લઇ બનાવો બાદ ચિંતાનું મોજુ |
નવીદિલ્હી, મોદી સરકારે વોટ્સએપ જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મને ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં મંજુરી આપવામાં જોખમના મુદ્દે રિઝર્વ બેંક અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સમક્ષ રજૂઆત કરી છે. મેસેજિંગ એપના હેકિંગના હાલમાં બનેલા બનાવોના સંદર્ભમાં ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં વોટ્સએપ જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મને મંજુરી આપવાના મુદ્દે રજૂઆત કરવામાં આવી છે.
સરકારના સર્વોચ્ચ સ્તર પર હેકિંગની ઘટનાઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. સાથે સાથે આને લઇને વિરોધ પક્ષો પણ આક્રમક બની રહ્યા છે. આ સંદર્ભમાં વાત કરતા નામ જાહેર નહીં કરવાની શરતે એક સરકારી અધિકારીએ કહ્યું છે કે, અમે આરબીઆઈ અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ન સમક્ષ રજૂઆત કરી દીધી છે. સાથે સાથે કેટલાક જરૂરી પગલા પણ લેવામાં આવી રહ્યા છે.
ફાઈનાન્સિયલ ડેટાની સુરક્ષાની ખાતરી કરવા જરૂરી પગલા લેવાઈ રહ્યા છે. અમેરિકામાં એક ઇઝરાયેલી કંપની એનએસઓ અને તેની ગૌણ સોફ્ટવેર પેગાસસની સામે દાવો કરવામાં આવી ચુક્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, સોશિયલ મિડિયાનો દુરુપયોગ કરીને ડેટાની ચોરી કરવામાં આવી રહી છે. આના કારણે ભારતીય સત્તાવાળાઓ પણ ચોંકી ગયા છે. બીજી બાજુ ફેસબુકની માલિકીની કંપની વોટ્સએપે ભારપૂર્વક કહ્યું છે કે, તેના દ્વારા સત્તાવારરીતે હેકિંગના મામલામાં ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
બીજી બાજુ સંઘના પૂર્વ વિચારક કેએન ગોવિંદાચાર્યએ સુપ્રીમ કોર્ટમાં પત્ર લખીને મેસેજિંગ કંપની અને વોટ્સએપ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે, આ સમગ્ર મામલામાં રાષ્ટ્રીય તપાસ સંસ્થાઓ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે. વોટ્સએપ, ફેસબુક, એનજીઓ ગ્રુપ અને ક્યુ સાયબર ટેકનોલોજીની સામે તપાસ કરવા માટેની માંગ કરવામાં આવી છે. પેમેન્ટના મામલામાં સોશિયલ મિડિયામાં એક નવી ચર્ચા છેડાઈ છે. પેમેન્ટ આડે ખતરાઓની વાત થઇ રહી છે.
વોટ્સએપ જેવા પ્લેટફોર્મ મારફતે ડિજિટલ પેમેન્ટની સુરક્ષાના મામલામાં ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. ભારતમાં આ પ્રકારની હિલચાલના લીધે વોટ્સએપ પેમેન્ટ સર્વિસના લોંચમાં વિલંબ થવાની શક્યતા દેખાઈ રહી છે. સરકાર દ્વારા આ સંદર્ભમાં હજુ સુધી કોઇ સ્પષ્ટ વાત કરવામાં આવી નથી. હવે સરકારના સર્વોચ્ચ સ્તર પર આમા નજર રાખવામાં આવી રહીછે.