ડિજિટલ બેન્ક આજે એક વાસ્તવિકતા, જીવન ઉત્તમ થઈ રહ્યું છે: વડાપ્રધાન

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈન્ફિનિટી ફોરમનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમના સંબોધિત કરતા સમયે તેમણે કહ્યું હતું કે, ચલણનો ઈતિહાસ જાેરદાર વિકાસ દર્શાવે છે. જેમ જેમ મનુષ્યનો વિકાસ થયો. તેમ તેમ આપણી લેવડદેવડની રીતમાં પરિવર્તન આવ્યું. વસ્તુ વિનિમય પ્રણાલીથી ધાતુ સુધી, સિક્કાથી લઈને નોટ સુધી, ચેકથી લઈને કાર્ડ સુધી, આજે આપણે અહીં પહોંચી ગયા છે.
ઈન્ફિનિટી ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગયા વર્ષે ભારતમાં મોબાઈલ ચૂકવણીએ પહેલી વખત એટીએમ રોકડ ઉપાડને પાર કર્યું હતું. કોઈ ભૌતિક શાખા કાર્યાલય વગર સંપૂર્ણ રીતે ડિજિટલ બેન્ક આજે એક વાસ્તવિકતા છે અને એક દાયકાથી પણ ઓછા સમયમાં આ વાત સામાન્ય થઈ ગઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે પોતાના અનુભવો અને વિશેષતાને વિશ્વની સાથે શેર કરવા અને તેમનાથી શિખવામાં પણ વિશ્વાસ કરીએ છીએ.
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આપણા ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ વિશ્વભરના નાગરિકોના જીવનને ઉત્તમ બનાવી શકે છે. ઈન્ફિનિટી ફોરમમાં વડાપ્રધાને કહ્યું હતું કે, હવે ફિનટેક પહેલને ફિનટેક ક્રાન્તિમાં બદલવાનો સમય આવી ગયો છે. એક ક્રાંતિ જે દેશના દરેક નાગરિકને નાણાકીય સશક્તિકરણ પૂરું પાડે છે.
આપને જણાવી દઈએ કે, ઈન્ફિનિટી ફોરમ, ફિન ટેક પર એક વિચારશીલ નેતૃત્વકારી ફોરમ છે. આ કાર્યક્રમનું આયોજન ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ ઓથોરિટી દ્વારા ભારત સરકારના આશ્રય હેઠળ કરવામાં આવી રહ્યું છે. આયોજનમાં ગિફ્ટ સિટી અને બ્લૂમબર્ગ સહયોગ કરી રહ્યા છે. ફોરમની પહેલા આયોજનમાં ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને યુકે ભાગીદાર દેશ છે.
ઈન્ફિનિટી ફોરમના માધ્યમથી નીતિ, વેપાર અને ટેક્નોલોજી ક્ષેત્રમાં વિશ્વના પ્રખ્યાત પ્રતિભાઓ એકસાથે આવશે અને આ વાત પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે કે, કઈ રીતે ટેક્નોલોજી અને નવીનતાને ફિન ટેક ઉદ્યોગમાં ઉપયોગ કરી શકાય છે, જેથી સમાવેશી વિકાસ થાય અને મોટા પાયે સૌની સેવા થાય.HS