ડિજિટલ મીડિયામાં નૈતિક આચારસંહિતા અમલમાં આવતાં અભદ્ર અને અહિતકારી પ્રચાર સામગ્રી પર અંકુશ આવ્યો હોવાના પ્રાથમિક સંકેતોઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણના સંયુક્ત સચિવ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દૂરુપયોગ રોકવા 25 ફેબ્રુઆરી 2021થી નૈતિક આચારસંહિતાનો અમલ શરુ – સામાન્ય નાગરિકની ફરિયાદના ત્વરિત નિરાકરણ માટે સંસ્થાગત માળખું ઊભું કરવાની જોગવાઈ
અમદાવાદ, પીઆઇબી,અમદાવાદ દ્વારા એક વિશિષ્ઠ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી 200 ઉપરાંત ડિજિટલ મીડિયા હેડ્સ, અખબારી આલમનાં અગ્રણીઓ, ઇલેક્ટ્રોનિક મીડિયા તંત્રીશ્રીઓ, વરિષ્ઠ પત્રકારો, પત્રકારત્વ સંસ્થાના વડાઓ તેમજ વિદ્યાર્થીઓ વગેરેની ઓનલાઇન ઉપસ્થિતિમાં યોજાયેલ આ વેબીનારમાં નવી દિલ્હીથી માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવશ્રી વિક્રમ સહાયે તથ્યપૂર્ણ નિદર્શન રજૂ કર્યું હતું. શ્રી સહાયે જણાવ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ભારતમાં વ્યવસાય કરવા માટે આવકાર છે પરંતુ તેમણે ભારતના બંધારણ અને કાયદાઓનું પાલન કરવું જરૂરી છે.
પીઆઈબી, અમદાવાદ દ્વારા યોજાયેલ વેબિનારમાં ચાવીરૂપ વક્તવ્ય આપતાં શ્રી વિક્રમ સહાય
સંયુક્ત સચિવશ્રીએ કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ચોક્કસપણે પ્રશ્નો પૂછવા અને ટીકા કરવા માટે થઇ શકે છે. શ્રી સહાયે ભારપૂર્વક જણાવતાં ઉમેર્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે સામાન્ય વપરાશકર્તાઓને સશક્ત કર્યા છે પરંતુ તેમણે તેના દુરુપયોગ સામે જવાબદારી લેવી પણ જરૂરી છે.
આવા નિયમો પર પ્રકાશ પાડતાં પીઆઈબીનાં અપરમહાનિદેશક ડૉ.ધીરજ કાકડિયાએ કહ્યું કે નવા નિયમો સોશિયલ મીડિયાના સામાન્ય વપરાશકર્તાઓને સશક્ત બનાવે છે. તેમની ફરિયાદના નિવારણ અને સમયસર નિરાકરણ માટેના વ્યવસ્થાતંત્રને સાકાર કરે છે.
આ નિયમો બાબતે ખોટી અવધારણાઓનો છેદ ઉડાડી નાખવા કરાયેલ જોગવાઇનો ખ્યાલ આપતાં શ્રી કાકડિયાએ ઉમેર્યું કે ડિજિટલ મીડિયા અને OTT અંગેના નિયમોમાં ઇન હાઉસ અને સ્વનિયમનના વ્યવસ્થાતંત્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેના દ્વારા પત્રકારત્વ અને સર્જનાત્મક સ્વતંત્રતાને બહાલી આપતી વખતે મજબૂત ફરિયાદ નિવારણ વ્યવસ્થાતંત્ર પૂરું પાડવામાં આવ્યું છે.
એક પ્રશ્નના જવાબમાં શ્રી વિક્રમ સહાયે સ્પષ્ટતા કરી કે પ્રસ્તાવિત માળખુ પ્રગતિશીલ,ઉદાર અને સમકાલોચિત છે. તેમાં સર્જનાત્મકતા અને વાણી તેમજ અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટે ઉચિત જોગવાઈઓ કરાઈ છે. થિયેટર અને ટેલિવિઝનની સરખામણીએ ઇન્ટરનેટ નિહાળનારા પ્રેક્ષકો વચ્ચેના તફાવતને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકાઓ તૈયાર કરવામાં આવી છે.
રાજ્યભરમાંથી ઓનલાઇન પ્લેટફોર્મ પર જોડાયેલા વરિષ્ઠ પત્રકારોએ નિયમોને આવકાર્યા હતાં. ચર્ચાનો સૂર હતો કે ડિજિટલપબ્લિશર્સ દ્વારા તત્કાલ સરકારને મૂળભૂત માહિતી પૂરી પાડી ફરિયાદ નિવારણ પ્રણાલી પ્રસ્થાપિત કરી દેવી જાહેરહિતમાં છે.
આભારદર્શન કરતાં પીઆઇબીના નિદેશક શ્રીમતિ સરિતા દલાલે કહ્યું કે રાજ્યના પત્રકારોનો કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારી સાથે સીધો સંવાદ અપેક્ષિત પરિણામ લાવશે. ડિજિટલ મીડિયાની સર્જનાત્મકતાને પોષવાની સાથે સાથે અભદ્ર અને અસામાજિક સામગ્રી પર રોક લાગશે. આ માટે જાગૃત જનતાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોવાની વાત નિદેશકશ્રીએ કરી હતી.
વેબિનારમાં નવગુજરાત સમયના મુખ્યતંત્રીશ્રી અજય ઉમટ, અમદાવાદ મિરરના તંત્રી સુ.શ્રી દિપલબેન ત્રિવેદી ઉપરાંત પત્રકારત્વ સંસ્થાઓના વડાઓ શ્રીમતિ પુનિતાબેન હરણે, ડૉ.શિરીશ કાશીકર, ડૉ.હરિ દેસાઇ, ડૉ.સોનલબેન પંડ્યા, ડૉ.વિનોદ પાંડે ઉપસ્થિત રહ્યાં હતાં. ઇલેક્ટ્રોનિક મીડિયાના વરિષ્ઠ સંવાદદાતાઓએ ગોષ્ઠીમાં માહિતીપ્રદ ઉત્તરો મળતાં જિજ્ઞાસાવૃત્તિ પોષાઈ હોવાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો.