Western Times News

Gujarati News

ડિઝીટલ સેવા સેતુનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

Files Photo

ર૦ર૧ સુધીમાં રાજ્યની તમામ ૧૪ હજાર ગ્રામ પંચાયતોને ડિઝીટલ સેવા સેતુથી સાંકળી ગ્રામ્ય સ્તરે જ – ઘર આંગણે સેવાકીય લાભો આપવાની નેમ વ્યકત કરતા શ્રી વિજયભાઇ રૂપાણી  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ર૦ર૧ સુધીમાં રાજ્યની તમામ ૧૪ હજાર ગ્રામ પંચાયતોમાં ડિઝીટલ સેવા સેતુનો વ્યાપ પહોચાડી ગ્રામીણ નાગરિકોને ઘર આંગણે સરળ અને ઝડપી સેવાઓ પહોચાડવાની નેમ વ્યકત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગે ભારત નેટ ફેઇઝ-ર સાથે જોડાણ દ્વારા પ્રથમ તબક્કે રાજ્યની ૩ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં લોકોને ર૭ જેટલી વિવિધ સરકારી સેવાઓ-યોજનાઓ ઘર આંગણે બેઠા પહોચાડવાના ઐતિહાસિક કદમ ડિઝીટલ સેવા સેતુનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ મહેસાણા જિલ્લાથી તેમજ અન્ય મંત્રીશ્રીઓ સંબંધિત જિલ્લાઓમાંથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ ડિઝીટલ સેવા સેતુના શુભારંભમાં જોડાયા હતા.મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, ગામડાના સામાન્ય માનવી, ગરીબ વ્યકિતને પ્રમાણપત્રો, દાખલા કે યોજનાઓ માટે જરૂરી દસ્તાવેજો મેળવવા તાલુકા-જિલ્લા મથકે જવું જ ન પડે તેના સમય અને નાણાં બેયનો બચાવ થાય તેવી વ્યવસ્થાઓ આ ડિઝીટલ સેવા સેતુ દ્વારા ગ્રામ્યસ્તરે જ આપણે સુનિશ્ચિત કરી છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ આ નવિન વ્યવસ્થા ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે વહિવટી તંત્રના વર્કકલ્ચરમાં બદલાવ લાવશે. એટલું જ નહિ, કચેરીઓમાં અરજદારોની થતી ભીડભાડ પણ અટકાવશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના સાયન્સ ટેકનોલોજી વિભાગે ભારત નેટ ફેઇઝ-ર સાથે ડિઝીટલ સેવા સેતુનો ઉપક્રમ જોડીને દેશભરમાં ગ્રામીણસ્તરે ડિઝીટલ ક્રાંતિની પહેલ કરી છે. ગુજરાતમાં ૮૩ ટકા જેટલું કામ પૂર્ણ થયું છે જ્યારે અન્ય રાજ્યો તો ૧પ ટકા સુધી જ પહોચ્યા છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ સેવા સેતુના વિચારબીજની ભાવવાહિ ભૂમિકા આપતાં કહ્યું કે જ્યારે તેઓએ મુખ્યમંત્રી તરીકેનું દાયિત્વ સંભાળ્યું ત્યારે તેમની સમક્ષ રજૂઆતો આવેલી કે ગુજરાતની પ્રતિષ્ઠાને વધુ ઉજાગર કરવા વહિવટીતંત્રમાં સામાન્ય માનવી, નાના લોકોના કામ સરળતાએ ઘેરબેઠાં થાય તેવી વ્યવસ્થા તેઓ વિકસાવે.

આ સંદર્ભમાં પારદર્શી – નિર્ણાયક અને સંવેદનશીલ પ્રશાસનની નેમ સાથે સેવા સેતુનો કાર્યક્રમ શરૂ કર્યો અને ૮-૧૦ ગામના કલસ્ટર બનાવી સરકારના અધિકારીઓ એક નિશ્ચિત દિવસે ત્યાં સવારથી જાય, લોકોના પ્રશ્નો-સમસ્યા સાંભળે અને સ્થળ પર નિવારણ લાવે તેવી વ્યવસ્થા ગોઠવી હતી એમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે કહ્યું કે સેવા સેતુના આવા પાંચ રાઉન્ડમાં બે કરોડથી વધુ લોકોની સમસ્યા-પ્રશ્નોનું નિવારણ લાવ્યા છીયે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ટેકનોલોજીનો ઉપયોગ જનસેવામાં કરવાની પ્રતિબદ્ધતા સાથે તેમણે ડિઝીટલ સેવા સેતુ માટે તંત્રને પ્રેરિત કર્યું. એટલું જ નહિ, છેક ગ્રામીણ વિસ્તારો સુધી ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક અને નેટ કનેકટીવીટીની સ્પીડ-સ્ટેબિલીટી બેય આપીને ગામોમાં ટેકનોલોજી આધારિત વ્યવસ્થા વિકસાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આના પરિણામે ગ્રામીણ પ્રજાજનોને ગ્રામ પંચાયતમાંથી જ ડિઝીટલી સેવાઓ મળતી થવાથી વચેટિયાઓનો અંત આવશે. ફેઇસ લેશ કાર્ય પદ્ધતિને કારણે ઝડપી સેવા મળશે તથા સમગ્ર કાર્યસંસ્કૃતિમાં-વર્ક કલ્ચરમાં આમૂલ બદલાવ આવશે. શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ડિઝીટલ સેવા સેતુ અંતર્ગત કેટલાક પ્રમાણપત્રો-દાખલાઓ માટે કરવાના થતા સોગંદનામા-એફિડેવીટની સત્તાઓ ગ્રામ્યસ્તરે તલાટીને આપવાના મહત્વપૂર્ણ નિર્ણય અંગે કહ્યું કે, આના પરિણામે નોટરીની આવકમાં કોઇ ફેર નહિ પડે. તલાટી મંત્રી ગ્રામ પંચાયત સ્તરે દાખલા માટેના સોગંદનામા-એફિડેવીટમાં એન્ડોર્સમેન્ટની જવાબદારી જ નિભાવવાના છે.

વિજયભાઇ રૂપાણીએ આ ડિઝીટલ સેવાસેતુને ડિસેમ્બર-ર૦ સુધીમાં ૮ હજાર ગામોમાં વિસ્તારવાની પ્રતિબદ્ધતા દોહરાવતાં કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના ડિઝીટલ ઇન્ડીયા દ્વારા નયા ભારતના નિર્માણના સપનાને પાર પાડવામાં ગુજરાત ગુડ ગર્વનન્સ-વિકાસની રાજનીતિના આ કદમથી દેશનું દિશાદર્શક બનશે. મુખ્યમંત્રીશ્રીએ ડિઝીટલ સેવાસેતુથી ગ્રામીણ વિસ્તારોના સશકિતકરણથી આત્મા ગામનો સુવિધા શહેરનીનો કન્સેપ્ટ સાકાર થશે તેમ જણાવતાં ઉમેર્યુ કે, આપણે ગ્રામ સમૃદ્ધિથી શહેર-શહેરથી રાજ્ય અને રાજ્યથી રાષ્ટ્ર સમૃદ્ધિ-સશકિતકરણની દિશામાં આગળ વધવાનો સંકલ્પ કર્યો છે.

તેમણે આ શુભારંભને નયા ભારતના નિર્માણનો પાયો નાખનારો કાર્યક્રમ ગણાવ્યો હતો અને આ પહેલ માટે સાયન્સ ટેકનોલોજી વિભાગને અભિનંદન આપ્યા હતા.મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમે રાજ્યના સમગ્ર વહિવટીતંત્ર અને વિવિધ વિભાગોએ જનસેવા-પ્રજાહિતના કામોમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી ‘ઇઝ ઓફ લીવીંગ’ની વિભાવના સાકાર કરી છે તેનો આનંદ વ્યકત કર્યો હતો. તેમણે આ ડિઝીટલ સેવા સેતુને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની છેવાડાના માનવીને પણ વિકાસની પ્રક્રિયામાં જોડવાના અને સુશાસનની અનૂભુતિ કરાવવાના નિર્ણયની ફલશ્રુતિ રૂપ ગણાવ્યો હતો.પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશે પ્રાસંગિક સંબોધન તેમજ સાયન્સ ટેકનોલોજી સચિવ શ્રી હારિત શુકલાએ સ્વાગત પ્રવચન કર્યા હતા. મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અગ્ર સચિવશ્રીઓ, સચિવશ્રીઓ ગાંધીનગરથી આ શુભારંભ અવસરે જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.