ડિપ્રેશનમાં આવી ગયેલા યુવકે પરિવારને વિડીયો કોલિંગ કરી નર્મદામાં મોતની છલાંગ લગાવી
પારિવારિક ઝઘડાના કારણે ડિપ્રેશનમાં આવી ભરૂચ – અંકલેશ્વરને જાેડતા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી આત્મહત્યા
(પ્રતિનિધી) ભરૂચ, ભરૂચની નર્મદા નદી ઉપર નવનિર્માણ પામેલા નર્મદા મૈયા બ્રિજ ઉપર થી એક યુવકે સોમવારની મોડી રાત્રીએ પરિવારને વિડીયો કોલિંગ કરીને કહ્યું હું નદી માં પડું છુ એમ કહી નદીમાં મોતની છલાંગ લગાવતા પરિવારજનોએ સ્થાનિકો અને પોલીસની મદદ થી નદીમાં મોતની છલાંગ લગાવનાર યુવકને હેમખેમ બહાર કાઢી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ ભારતી ટોકીઝની પાછળના ભીડભંજન વિસ્તારમાં રહેતો ૨૮ વર્ષીય યુવક રવિ બાબુલાલ શાહ સોમવારની રાત્રીએ ૧૧ ઃ ૩૦ કલાકે જીવન થી ત્રાસી નર્મદા મૈયા બ્રિજ ના અંકલેશ્વરના છેડા તરફ પહોંચી
તેના પરિવારજનોને વિડીયો કોલિંગ કરી કહ્યું હું નદીમાં પડું છુ એમ કહી નદીમાં મોતની છલાંગ લગાવતા પરિવારજનોએ સ્થાનિક સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકી તથા ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે આવેલી પોલીસ ચોકીના જમાદાર ઈશ્વરભાઈ પટેલ
તથા સેવાભાવી ગૃપના યુવાનોના સહકારથી નર્મદા મૈયા બ્રિજના દક્ષિણ છેડા ઉપર થી મોત ની છલાંગ લગાવનાર યુવકની નદીમાં નાવડી મારફતે રાત્રીના અંધકારમાં ટોર્ચની મદદ થી શોધખોળ કરવામાં આવતા કિનારાના ઓછા વહેણમાં પડ્યો હોવાના કારણે માત્ર તેના પગ નદીમાં ખુપી ગયા હતા.
જેના કારણે સ્થાનિક યુવકોએ તેને હેમખેમ બહાર કાઢી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે ૧૦૮ મારફતે ખસેડવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે નર્મદા નદી ઉપર નવનિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ નો લોકો આત્મહત્યા કરવા ઉપયોગ કરી રહ્યા છે.
ત્યારે થોડાક દિવસો પહેલા પણ આવોજ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પારિવારિક ઝઘડાના કારણે ડિપ્રેશનમાં આવી નર્મદા નદી માં આત્મહત્યા કરવા જતા આશાસ્પદ યુવક ને બ્રિજ ના વોકિંગ ટ્રેક ઉપર થી પોલીસે તેને પકડી નદી માં મોત ની છલાંગ લગાવતા બચાવી તેના પરિવારજનોને સોંપવામાં આવતા પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.