ડિપ્લોમેટ તરીકે ખૂબ જ જાેખી જાેખીને બોલતા વિદેશ મંત્રી જયશંકર હવે ફ્રી હેન્ડ મળ્યા બાદ ફોર્મમાં
યુએસ સામે જયશંકરના સ્પષ્ટ વલણથી લોકો ખુશ
નવી દિલ્હી, સિધી બાત, નો બકવાસ આ ભલે કોલ્ડ ડ્રિંક બ્રાન્ડની ટેગલાઇન છે, પણ વિદેશ મંત્રી એસ. જયશંકર આ જ ફિલસૂફીને અનુસરે છે. ૨૦૧૯ માં જવાબદારી સંભાળ્યા પછી, જયશંકરે ભારતીય ડિપ્લોમસીની આખી તસવીર જ બદલી નાખી છે.
તેઓ ગોળ ગોળ નહીં સીધી જ વાત કરે છે અને પ્રશ્નોની જાળમાં ફસાતો નથી. રશિયા પાસેથી તેલ/ગેસની ખરીદી અને હવે યુ.એસ.માં ૨ ૨ વાટાઘાટો સાથે થયેલા કેટલીક મીડિયા વાર્તાલાપમાં જયશંકરનો જવાબ સાંભળીને લોકો દંગ રહી ગયા.
ઘણાએ ટિ્વટર પર લખ્યું છે કે ભઈ વાહ! આ પહેલા કોઈ ભારતીય મંત્રીએ અમેરિકાને આવી રીતે અરીસો બતાવ્યો નથી. જયશંકરની તીખી વાત પણ ચહેરાના હાવભાવ બદલ્યા વિના કહેવામાં માસ્ટરી ધરાવે છે જેમ ‘માખણ પર છરી’ ચાલે.
એક યુઝરે લખ્યું કે એસ. જયશંકરના આ ‘નોનસેન્સ’ વલણ પાછળ ડિપ્લોમેટ તરીકે તેમનો દાયકાઓનો અનુભવ છે.
૩૮ વર્ષથી ભારતીય વિદેશ સેવા (આઈએફએસ)માં રહેલા જયશંકરે અમેરિકા અને ચીનને ખૂબ જ નજીકથી હેન્ડલ કર્યા છે. ડિપ્લોમેટ તરીકે ખૂબ જ જાેખી જાેખીને બોલતા જયશંકર હવે ફ્રી હેન્ડ મળ્યા બાદ ફોર્મમાં છે. પત્રકારોને આપેલા તેના જવાબો તો વાઈરલ થઈ જ રહ્યા છે, પરંતુ તેમના વન-લાઈનર્સની પણ મોટી ફેન ફોલોઈંગ છે. એસ જયશંકર આજકાલના દિવસોમાં તેમના ૫ જવાબોથી સોશિયલ મીડિયા પર ખૂબ વાહવાહી મેળવી રહ્યા છે.
થોડા દિવસો પહેલા ભારત અને અમેરિકા વચ્ચે ૨ ૨ મંત્રણા થઈ હતી. જયશંકર તેમના સીનિયર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે વોશિંગ્ટન ગયા હતા. આ પ્રવાસ દરમિયાન એવા ઘણા પ્રસંગો હતા જ્યારે જયશંકરે ભારતીય હિતને સર્વોચ્ચ સ્થાને રાખ્યું હતું અને મીડિયાની આશંકાઓને સંપૂર્ણ રીતે ફગાવી દીધી હતી.
આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ભારતમાં ‘માનવ અધિકારોના ઉલ્લંઘન’નો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે જયશંકરે જવાબ આપ્યો, તેમનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જયશંકરે પોતાના જવાબમાં કહ્યું હતું કે ભારત પણ અમેરિકામાં માનવાધિકારના ઉલ્લંઘનને લઈને ચિંતિત છે. જયશંકરના જવાબ પર ઘણા યુઝર્સે કહ્યું કે તેઓએ આ પહેલા ક્યારેય કોઈ વિદેશ મંત્રીને અમેરિકાને આ રીતે અરીસો બતાવતા જાેયા નથી.
જયશંકરનો યુએસ પ્રવાસ શરૂઆત જ થઈ હતી અને બંને દેશોના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓ મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યા હતા. દરમિયાન, એક પ્રશ્ન ઊભો થયો કે જ્યારે યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે શા માટે ભારત રશિયા પાસેથી તેલ/ગેસ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. જયશંકરે જવાબમાં આંકડા મૂક્યા.
પ્રશ્ન પૂછનાર પત્રકારને કહ્યું કે ભારત રશિયા પાસેથી એક મહિનામાં જેટલી ઊર્જા ખરીદે છે, યુરોપ અડધા દિવસમાં ખરીદે છે, તો પ્રશ્ન યુરોપિયન દેશોને કરવો જાેઈએ. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ‘ઓપરેશન ગંગા’ પર આ મહિનાની શરૂઆતમાં સંસદમાં જયશંકરે નિવેદન આપ્યું હતું.
જયશંકરે લોકસભામાં મિશન વિશે માહિતી આપતાં જે રસપ્રદ વાત કહી તેનો વીડિયો વાયરલ થયો હતો. ઈએએમએ લોકસભામાં કહ્યું કે એક દેશના વિદેશ મંત્રીએ તેમની સામે ગર્વથી કહ્યું કે તેઓ યુક્રેનથી તેમના નાગરિકોને બે વિમાનમાં પાછા લાવ્યા હતા અને જ્યારે તેમણે મને પૂછ્યું તો મે કહ્યું ભારત ‘ઓપરેશન ગંગા’ હેઠળ ૯૦ વિમાનોમાં નાગરિકોને પરત લાવ્યું તો તેઓ દંગ રહી ગયા.
જયશંકરે સંસદની અંદર વિપક્ષને રાષ્ટ્રીય હિતનું ધ્યાન રાખવાની સલાહ પણ આપી હતી. તેમણે વીકે કૃષ્ણ મેનનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં સૌથી લાંબુ ભાષણ આપવા માટે પ્રખ્યાત છે. ત્યારે જયશંકરે કહ્યું કે મેનન જે વાત કલાકોમાં કહે છે, તે જ વાત હું તમને ૬ મિનિટમાં કરી શકું છું. ઈએએમએ કહ્યું, આપણે વિશ્વને જ્ઞાન આપવામાં રસ ન દાખવવો જાેઈએ, આપણે રાષ્ટ્રીય હિત પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ.
યુક્રેન-રશિયા યુદ્ધને લઈને પશ્ચિમી દેશોએ ભારત પર ઘણું દબાણ કર્યું. એક તરફ યુરોપિયન યુનિયન અને યુએસ રશિયા પાસેથી ગેસ ખરીદવાનું ચાલુ રાખ્યું, અને ભારતને ક્રૂડ ખરીદવાનું બંધ કરવાના ભાષણો આપવામાં આવી રહ્યા હતા. પરંતુ જયશંકરે આંકડાઓ દ્વારા પશ્ચિમી દેશોના દબાણ બનાવવાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા.
તે પછી, જ્યારે યુએસ તરફથી પરોક્ષ દબાણ આવ્યું ત્યારે પણ જયશંકર અડગ રહ્યા. હવે અમેરિકાની ધરતી પર જઈને જયશંકરનું વલણ એ જ છે. પોતાના જવાબો સાથે જયશંકર એ ટોચના પ્રધાનોમાં સામેલ થઈ ગયા છે જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થાય છે. કેટલાક લોકોના મતે જયશંકર એનડીએ-૨ સરકારના શ્રેષ્ઠ મંત્રીઓમાંના એક છે.