ડિફોલ્ટ સ્ટેટસ બદલ બેંકને ૫૦ હજારનું વળતર ચુકવવા આદેશ
અમદાવાદ, ક્રેડિટ કાર્ડ બંધ કરાવનારા એક વ્યક્તિનું સિબિલમાં ‘ડિફોલ્ટ સ્ટેટસ’ અપડેટ કરનારી ખાનગી બેંકને ગ્રાહક તકરાર નિવારણ પંચ દ્વારા ૫૦ હજાર રુપિયાનું વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, બેંકને કસ્ટમરનું ‘ડિફોલ્ટ સ્ટેટસ’ દૂર કરવા અને તેને કાયદાકીય લડાઈ પેટે થયેલા ખર્ચ તરીકે દસ હજાર રુપિયા ચૂકવવા પણ જણાવાયું છે.
આ કેસની વિગત એવી છે કે, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક પાસેથી દેવેન ડગલી નામના એક વ્યક્તિએ ૨૦૦૧ પહેલા ક્રેડિટ કાર્ડ લીધું હતું. જાેકે, સર્વિસ સારી ના હોવાના કારણે તેમણે આ કાર્ડ બંધ કરાવી દીધું હતું, તેમણે એવી પણ ફરિયાદ કરી હતી કે ક્રેડિટ કાર્ડનું બિલ ભરી દીધું હોવા છતાંય બેંક તેમની પાસેથી ખોટેખોટા ચાર્જ તેમજ વ્યાજની ઉઘરાણી કરી રહી છે.
દેવેન ડગલીને બેંકે આશ્વાસન આપ્યું હતું કે તેમની ક્રેડિટ કાર્ડ સર્વિસ કેન્સલ કરી દેવાઈ છે, અને તેમને હવેથી કોઈ સ્ટેટમેન્ટ નહીં મળે. જાેકે, ત્યારબાદ પણ બેંકે તેમને વધારાના વ્યાજ સહિતના સ્સેટમેન્ટ મોકલવાના ચાલુ રાખ્યા હતા. એટલું જ નહીં, બેંકે તેમના ઘરે રિકવરી એજન્ટ પણ મોકલ્યા હતા.
એપ્રિલ ૨૦૦૧માં તેમણે બેંકને પત્ર લખી પોતાને કોઈ ચૂકવણી કરવાની બાકી છે કે કેમ તેની માહિતી માગી હતી. જાેકે, બેંક તરફથી તેમને આ અંગે કોઈ પ્રતિભાવ નહોતો અપાયો. બીજી તરફ, તેમના ઘરે રિકવરી એજન્ટના આંટાફેરા ચાલુ જ રહ્યા હતા.
આ ઘટનાના દસ વર્ષ બાદ દેવેન ડગલીએ લોન લેવા માટે અરજી કરી હતી, પરંતુ તેમને લોન નહોતી મળી શકી. આ અંગે તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે સિબિલ પર તેમનું ‘ડિફોલ્ટ સ્ટેટસ’ રિપોર્ટ કરી દીધું હતું. જેના કારણે તેમની લોન એપ્લિકેશન રિજેક્ટ થઈ હતી.
બેંકે પોતાને કોઈ વાંકગુના વિના જ ડિફોલ્ટર જાહેર કરી દેતા ધૂંઆપૂંઆ થયેલા દેવેન ડગલીએ ૨૦૧૪માં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક પર ૪૦ લાખનો દાવો માંડ્યો હતો.
તેમના વકીલ સંદીપ શાહ દ્વારા આ અંગેના તમામ દસ્તાવેજાે પણ રજૂ કરવામાં આવ્યા હતા. બેંકના વકીલ પણ કમિશનમાં હાજર રહ્યા હતા, પરંતુ તેમણે ફરિયાદનો કોઈ રિપ્લાય નહોતો આપ્યો.
કેસની સુનાવણી બાદ પંચ એવા તારણ પર આવ્યું હતું કે આ ઘટનામાં ફરિયાદીને જાણ કર્યા વિના બેંકે તેમની વિગતો જાહેર કરી દીધી છે. બેંકે જે કર્યું તે ગેરકાયદે છે અને તેથી ફરિયાદી વળતર મેળવવાને હક્કદાર છે. જાેકે, પંચે ડગલીના ૪૦ લાખના દાવાને એમ કહીને નકારી દીધો હતો કે તેમની સાથે જે થયું તેનાથી તેમને કોઈ આર્થિક નુક્સાન થયું છે તે અંગેના તેઓ કોઈ પુરાવા રજૂ નથી કરી શક્યા.
ગ્રાહક તકરાર નિવારણ પંચે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકને ફરિયાદીને બે મહિનામાં ૬૦ હજાર રુપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે, અને જાે તે આ ચુકવણી ના કરી શકે તો તેને વધુ પાંચ હજાર રુપિયા ચૂકવવા પડશે.SSS