ડિસકનેકટ- કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા, ગાંધી કુટુંબ એક આભાસી નેતૃત્વ ધરાવે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/sonia-priyanka-rahul.jpg)
પક્ષમાં નેતૃત્વની ચર્ચા ચાલતી હતી ત્યાં અચાનક જ સોનિયાએ પ્રમુખ પદ ખાલી નથી તેવી જાહેરાત કરીને ઓથોરીટી સ્થાપવા પ્રયત્ન કર્યો પરંતુ મહત્વનું એ છે કે કોંગ્રેસમાં ગાંધી કુટુંબની ઓથોરીટી વધુ ભાગલા સર્જે છે,
પંજાબમાં નેતૃત્વ પરિવર્તન કરાયું પણ કોંગ્રેસના ભોગે… રાજસ્થાન કે છતીસગઢમાં આ પ્રયોગ કરવા જતા પણ ભંગાણની શકયતા રહેલી છે આમ ગાંધી કુટુંબ ફકત એક આભાસી નેતૃત્વ ધરાવે છે, અસરકારક નહીં
ભારતીય જનતા પક્ષના મજબુત સ્થાન માટે કાર્યકર્તાઓનું એક જનરેશન જે સતત પક્ષને આગળ વધારી રહ્યું છે તેને યશ આપવો પડે આ શબ્દો હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જેમણે કમલ પુષ્પ નામનું કાર્યકર્તાઓ માટે એપનું લોન્ચીગ કર્યું આ જ સમયે થોડે દુર કોંગ્રેસના મહામંત્રીઓ તથા પ્રદેશ પ્રમુખ અને અન્ય વરિષ્ઠ નેતા સાથેની બેઠકમાં પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશના
આ સૌથી જુના પક્ષમાં નતાઓને વ્યક્તિગત મહત્વકાંક્ષાને એક બાજુ મુકીને પક્ષ માટે કામ કરવા અપીલ કરવી પડી તે દર્શાવે છે કે ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ વચ્ચે શા માટે આટલું અંતર છે. સોનિયા ગાંધીને કદાચ પ્રથમ વખત એવો અહેસાસ થયો કે નબળાઈ અંદરની જ છે
અને તેથી જ લોકોની વાત દુર રહી પક્ષના કાર્યકર્તાઓ પણ પક્ષ સાથે કે નેતાઓ પર ભરોસો દાખવતા નથી કદાચ વાસ્તવિકતા એ છે કે જયાં સતા છે તેવા બે ત્રણ રાજયો સિવાય કોંગ્રેસ મુખ્યત્વે સોશ્યલ મીડીયા પર જ ચાલતી હોય એવું સતત લાગી રહ્યું છે અને સોનિયા ગાંધીને એ પણ અહેસાસ થયો કે શા માટે કોંગ્રેસના યોગ્ય મુદ્દાઓ પર જનતા તેને સાથ આપતી નથી.
લાંબા સમયથી એક યા બીજા પ્રશ્રો પર કોંગ્રેસ પક્ષ આંદોલન કરે છે પરંતુ તેમાં પક્ષના કાર્યકર્તાઓ પણ પુરતા હોતા નથી જયારે લોકોની વાત તો દુર રહી ફેસબુક કે ટવીટર જેવા માધ્યમ પર રાહુલ કે પ્રિયંકા ગમે તેટલા હીટ હોય પરંતુ જયાં સુધી રોડ પર હીટ સાબિત ન થાય ત્યાં સુધી કદાચ કોંગ્રેસની સ્થિતિ આવી જ રહેશે.
છેલ્લા ૧પ દિવસમાં સોનિયા ગાંધીની બીજી બેઠક એવી હતી કે જેમાં પક્ષને આંતરીક મંથન કરવાની જૃર હતી તે સમયે ખેડુત આંદોલન ચીન સાથેની સીમાના વિવાદ ગુજરાતના મુદ્રા બંદર પર ઝડપાયેલા હેરોઈન, મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવ દિલ્હીના કોમી તોફાનો આ તમામ હાવી રહ્યા. અને સોનિયા તથા અન્ય નેતાઓને ભાજપ તથા આરએસએસ પર પ્રહાર કરીને પોતાની ભૂમિકા ભજવ્યાનો સંતોષ માની લીધો પરંતુ એ મુદ્દા પર ખુલીને વાત ન થઈ કે લગભગ દરેક રાજયમાં કોંગ્રેસ પક્ષમાં આંતરીક રીતે જે સંઘર્ષ ચાલે છે તેના કારણે જ પક્ષને કયાય સફળતા મળતી નથી.
વાસ્તવમાં ભાજપ અને આરએેસએસ જાે સતત સફળ થતા હોય તો તેનો મોટો શ્રેય કાર્યકર્તા અને નેતાઓ વચ્ચેનું કનેકશન છે અને તેના દ્વારા કાર્યકર્તાઓ અને જનતા વચ્ચેનું એક જાેડાણ બની જાય છે. ચોકકસપણે લાંબા સમયથી સત્તા પર હોવાના કારણે ભારતીય જનતા પક્ષને આ લાભ મળતો રહે છે.
પરંતુ આ સતા મેળવવા માટે પણ પક્ષે કાર્યકર્તાઓને કનેકટ રાખ્યા છે અને લોકો સમક્ષ પોતાના મુદ્દા અસરકારક રીતે રજુ કરવામાં સફળતા મેળવી છે. આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તો સોશ્યલ મીડિયામાં સામાન્ય લોકો કોંગ્રેસના આંદોલનની તસવીરોને બદલે ભુતકાળમાં ભાજપના વરિષ્ઠ નેતાઓએ પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ માટે જે આંદોલનો કર્યા હતા તે તસ્વીરો પોસ્ટ કરે છે.
આ દર્શાવે છે કે એ આંદોલન સફળ હતા અને સરકારને ભાવ ઘટાડવામાં ફરજ પણ પડી હતી. પણ કોંગ્રેસ આ કરી શકતી નથી. કારણ કે કાર્યકર્તાઓનો ઉત્સાહ લગભગ ખતમ થઈ ગયો છે. લાંબા સમયથી અનિર્ણાયકર્તાની સ્થિતિએ નેતૃત્વની ક્ષમતા પર કાર્યકર્તાઓને વિશ્વાસ રહ્યો નથી.
અને જાે કોંગ્રેસ એક વિચાર છે તેવું રાહુલ ગાંધી કહેતા હોય તો પણ અનેક મુદ્દાઓ પર કોંગ્રેસમાં એક મત નથી અને તેથી જ તેના મુદ્દાઓ યોગ્ય રીતે રજુ કરી શકાતા નથી. પક્ષના નેતાઓ પોતાની વાત સોશ્યલ મીડીયા પર રજુ કરીને પછી લોકો સુધી કે કાર્યકર્તાઓ સુધી પહોંચી જાય તેવો સંતોષ માની લે છે. પણ તે કોઈ અસરકારક સ્થિતિ બનાવી શકતા નથી. સોનિયા ગાંધી ખુદ આ મુદ્દાઓ પર બોલ્યા નહી તે પણ આશ્ચર્ય છે.
હવે જયારે પાંચ રાજયોની ચુંટણી આવી રહી છે તે સમયે કદાચ સેન્ટર સ્ટેજ પ્રિયંકા ગાંધીએ લઈ લીધું છે ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં પક્ષ પૂર્ણ રીતે સોનિયા પર આધારીત બની ગયો છે. તથા રાહુલ ગાંધી લાંબા સમયથી ઉત્તરપ્રદેશથી અલગ થઈ ગયા હોય અને ગાંધી પરિવારમાં આ રીતે રાજયના બટવારા થઈ ગયા હોય તેવી સ્થિતિ જાેવા મળે છે.
જયારે પક્ષ તરીકે નહી વ્યકિત તરીકે કોઈ રાજયને સંભાળવાનું હોય તે રીતે આગળ વધે તો કદાચ કોંગ્રેસ પક્ષ માટે સૌથી કમનસીબ સ્થિતિ છે.
સોનિયાએ વારંવાર કારોબારીમાં કહ્યું છે કે પક્ષની વાત મીડિયા સમક્ષ મુકવાને બદલે મારી સમક્ષ મૂકો. કદાચ આ મુદ્દો સોનિયા ગાંધી પણ સમજી શકે છે પરંતુ જયારે તેઓએ પોતાની વાત રજુ કરી તે સમયે કદાચ તેઓ પણ ખુદને ભ્રમમાં રાખવા માંગતા હોય તે સ્થિતિ બની હતી અને પક્ષ એક થઈને કોઈ મુદ્દા લડી રહ્યું હોય તે જણાતું નથી.
સંગઠનની વાત આવે તો જયાં સુધી કોંગ્રેસનો કાર્યકર્તા જમીન પર ન આવે ત્યાં સુધી કદાચ આ પક્ષ માટે આગળ વધવું મુશ્કેલ સ્થિતિ ચોકકસપણે બની રહેશે.
લાંબા સમયથી પક્ષ દ્વારા નેતૃત્વ અંગે નિર્ણય લઈ શકયો નથી અને હવે સોનિયા ગાંધીએ તેમાં લાબી મુદત નાંખી દીધી છે. વ્યક્તિગત મહત્વકાંક્ષાને એક બાજુ મુકી પક્ષ માટે કામ કરવું તે કદાચ કહેવા માટે ઘણુ સારૂ છે પરંતુ કાર્યકર્તાઓને એક ચોકકસ આશા હોવી જાેઈએ કે તેઓ જાે પક્ષ માટે કામ કરશે તો વ્યક્તિગત રીતે પણ તેમને લાભ થશે
કોંગ્રેસમાં આ સ્થિતિનો અભાવ જાેવા મળી રહ્યો છે. ભલે પંજાબમાં કોંગ્રેસ મોવડી મંડળે નેતૃત્વ પરિવર્તન કૃયુ પરંતુ તે પક્ષના ભંગાણના ભોગે કર્યું છે અને તેથી જ રાજસ્થાન કે છતીસગઢમાં બ્રેક લાગી ગઈ છે આ પરિસ્થિતિ કોંગ્રેસ માટે સૌથી મોટી અકળાવનારી છે કે
સોનિયા ગાંધી ગમે તેટલી ઓથોરિટી સ્થાપવા માટે પ્રયત્ન કરતા હોય પણ અંતે તેઓ ઓથોરિટી નથી તે નિશ્ચિત થઈ જાય છે અને જયારે આ સ્થિતિ હોય ત્યારે કાર્યકર્તાઓનો વિશ્વાસ જ પક્ષમાં ન રહે તે સ્વાભાવિક સ્થિતિ બને છે અને કદાચ પાંચ રાજયોમાં કોંગ્રેસ માટે હજુ પણ આશાસ્પદ સ્થિતિ નથી તેનું એક માત્ર કારણ એ છે કે કોંગ્રેસ નથી. કાર્યકર્તાઓ સાથે કનેકટ નથી લોકો સાથે કનેકટ… ઈલાજ અહીંથી શરૂ થવાની જરૂર છે.