Western Times News

Gujarati News

ડીંગુચાના એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલ પાસે ૨૮ પાસપોર્ટ

અમદાવાદ, અમેરિકા-કેનેડા બોર્ડર પર ઘૂસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન મોતને ભેટેલા પટેલ પરિવારની ઘટના બહાર આવ્યા બાદ કલોલ નજીકના ડીંગુચા ગામનું નામ આખીય દુનિયામાં ચર્ચામાં આવી ગયું છે. તેમાંય હવે આ જ ગામના એક એજન્ટનું એવું કારસ્તાન પોલીસને જાણવા મળ્યું છે કે જેણે ઉચ્ચ અધિકારીઓને પણ ચોંકાવી દીધા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ડીંગુચાનો કુખ્યાત એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલ ૨૮ જેટલા પાસપોર્ટ ધરાવે છે.

પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે તમામ ૨૮ પાસપોર્ટમાંથી કેટલાકમાં તેની બાયોમેટ્રિક માહિતી પણ છે, અને ભરત પટેલે તરકીબો વાપરીને કાયદેસર રીતે આ પાસપોર્ટ કઢાવ્યા છે. ડીંગુચાનો ભરત પટેલ પહેલા તો નાનામોટા કામ કરીને ગુજરાન ચલાવતો હતો. જાેકે, હવે લોકોની પાસેથી તગડી રકમ વસૂલી તેમને ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના એક સુવ્યવસ્થિત કૌભાંડના મામલામાં તેની સામે તપાસ ચાલી રહી છે.

ભરત પટેલનું આ રેકેટ ભારતથી અમેરિકા વાયા તુર્કી અને મેક્સિકો સુધી ફેલાયેલું છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ૪૭ વર્ષનો ભરત પટેલ અલગ-અલગ પાસપોર્ટ ઓફિસોમાંથી પાસપોર્ટ કઢાવે છે. તેણે અમદાવાદ તેમજ મુંબઈમાંથી પણ પાસપોર્ટ કઢાવેલા છે.

૧૯૯૭માં તેણે અમદાવાદમાંથી સૌ પહેલા પાસપોર્ટ કઢાવ્યો હતો. પહેલા પાસપોર્ટમાં તેનાં અસલી નામ, જન્મ તારીખ અને સરનામાંનો ઉલ્લેખ છે. ભરત પટેલ ૧૯૯૭માં પોતાનું નેટવર્ક વિસ્તારવા માટે બે વાર અમેરિકા ગયો હતો. બીજીવાર તે ગયો ત્યારે બે બાળકોને પણ સાથે લેતો ગયો હતો.

જાેકે, તે વખતે તે પકડાઈ ગયો હતો અને અમેરિકાની કોર્ટે તેને ડિપોર્ટ કરવાનો આદેશ આપી અમેરિકામાં તેના ઘૂસવા પર ૯૯ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો હતો. ૨૦૦૨માં ભરત પટેલે વધુ એક ટ્ઠપાસપોર્ટ કઢાવ્યો હતો, કારણકે તેને ડર હતો કે એકના એક પાસપોર્ટથી ટ્રાવેલ કરવામાં જાેખમ સર્જાઈ શકે છે.

ત્યારબાદ તે પોતાના નામ, અટક, જન્મ તારીખ તેમજ સરનામાંમાં સામાન્ય ફેરફાર કરાવીને એક પછી એક પાસપોર્ટ કઢાવતો રહ્યો હતો. ભરતે મુંબઈથી ૨૦૦૪માં કમલ શાહના નામે પાસપોર્ટ કઢાવ્યો હતો. જેમાં તેણે જન્મ તારીખ પણ બદલાવી દીધી હતી. તેણે અમદાવાદ અને મુંબઈ ઓફિસમાંથી સાત જેટલા પાસપોર્ટ કઢાવ્યા હોવાની શંકા છે. આ સિવાય તેણે બાકીના ૨૧ પાસપોર્ટ દેશના અલગ-અલગ ભાગોમાંથી કઢાવ્યા છે, જે બધામાં તેનો ફોટો તો સરખો જ છે.

છેલ્લા ચાર વર્ષમાં તેણે જે પાસપોર્ટ કઢાવ્યા છે તેમાં તેની ફિંગરપ્રિન્ટ, બાયોમેટ્રિક્સ તેમજ આંખની કીકીની છાપ પણ લેવામાં આવી છે. ચાલાક ભરત પટેલ અલગ-અલગ પાસપોર્ટથી ભરત દેશ-વિદેશમાં ફરતો રહે છે અને તે ક્યાં છે તેની કોઈ માહિતી નથી મળતી. પોલીસ આ રેકેટની તપાસ કરી રહી હતી ત્યારે ઈમિગ્રેશનના અધિકારીઓ પાસેથી ભરત અંગે માહિતી મળી હતી.

નવાઈની વાત એ છે કે, ભરત પટેલે પોતાની પત્ની, બે બાળકો તેમજ માતાપિતાને અમેરિકામાં સેટલ કરી દીધા છે, અને બધા ત્યાંના સિટીઝન પણ બની ગયાં છે.

ભરતની સાથે જ ઈમિગ્રેશન રેકેટ ચલાવતા યોગેશ સથવારા, ભૃગેશ પટેલ અને રાજેશ પટેલ પણ ૫-૧૦ પાસપોર્ટ ધરાવે છે. ડીંગુચાના જે પરિવારના ચાર સભ્યોનું કેનેડા બોર્ડરથી અમેરિકામાં ઘૂસતા મોત થયું હતું તેને પણ ભરત પટેલે જ મોકલ્યો હોવાની પોલીસને આશંકા છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં ૧૫૦૦ જેટલા લોકોને નકલી પાસપોર્ટ અપાવવામાં પણ ભરત પટેલે મદદ કરી હોવાનું સામે આવી રહ્યું છે.

હાલમાં જ બોટમાં સવાર થઈ અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા છ ગુજરાતીઓ પકડાયા હતા. આ તમામ ઉત્તર ગુજરાતના રહેવાસી હતા અને તેમની બોટ અમેરિકા-કેનેડા બોર્ડર પર ડૂબી ગઈ હતી જેમાંથી તેમને સ્થાનિક પોલીસ દ્વારા બચાવાયા હતા, આ તમામ વિરુદ્ધ અમેરિકામાં કાયદાકીય કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે.

આ લોકોને મોકલવામાં પણ ભરત પટેલનો જ હાથ હોવાની ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે, ૧૯ જાન્યુઆરીના રોજ અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરવામાં ડીંગુચાના જગદીશ પટેલ, તેમના પત્ની વૈશાલી પટેલ તેમજ બે બાળકોના કાતિલ ઠંડીમાં થીજી જતાં મોત થયા હતા. આ ચારેય લોકોના મૃતદેહ કેનેડાની પોલીસને મળી આવ્યા હતા. ત્યારથી જ ગુજરાત પોલીસે અન્ય એજન્સીઓ સાથે મળીને લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના રેકેટને તોડવા માટે કાર્યવાહી શરુ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.