Western Times News

Gujarati News

ડીજીસીએએ પહેલાથી જ કોઝિકોડ એરપોર્ટ પર રન-વેને લઇ ચેતવણી આપી હતી

કોઝિકોડ, કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન શુક્રવારે સાંજે અકસ્માતનો ભોગ બન્યું હતું, જેમાં બે પાઇલટ સહિત ૧૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં. શુક્રવારે કેરળમાં ભારે વરસાદ પડ્યો હતો. વંદે ભારત મિશન અંતર્ગત દુબઇથી કોઝિકોડ તરફ આવતું વિમાન રનવે પર લપસી ગયું હતું. એવિએશન રેગ્યુલેટરી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ પહેલાથી જ કોઝિકોડ એરપોર્ટ પર રન-વેને લઇ ચેતવણી આપી હતી કે ત્યાં કોઈ પણ સમયે અકસ્માત થઈ શકે છે. તાજેતરમાં ડીજીસીએએ પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા કે રન-વે પર એવી સ્થિતિ છે કે જો પાણી ભરાઈ જાય તો રબર ક્યાંક જામ થઈ શકે છે, જે અકસ્માતનું કારણ બની શકે છે.

વર્ષ ૨૦૧૯ માં, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ કાલિકટ એરપોર્ટ અંગે એરપોર્ટ ઓથોરિટીને નોટિસ આપી હતી. તો એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું કે ડીજીસીએ દ્વારા તમામ પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને અમે તમામ મુદ્દાઓને ઉકેલીશું. કોઝિકોડનું એરપોર્ટ ઓપરેશનની દ્રષ્ટિએ ખતરનાક માનવામાં આવે છે. આ એક ટેબલ ટોપ રન વે છે. તેનો અર્થ એ છે કે રનવે થોડીક ઊંચાઈ પર છે અને બંને બાજુની જમીન ઊંડી છે. આ દ્રષ્ટિથી રનવે પણ નાનો છે અને ખત્મ થતાં જ ૩૦ ફૂટની એક ઉંડી ખીણ પણ છે. આ સિવાય રન-વેની બંને બાજુની પટ્ટીઓ પણ સાંકડી છે જેના કારણે બચાવ કામગીરી ચલાવવી મુશ્કેલ બની જાય છે. આ બધી ખામીઓ હોવા છતાં એરપોર્ટ પર રાબેતા મુજબ ફ્લાઇટ્‌સ ચાલુ રાખવામાં આવી હતી.

કોઝિકોડ એરપોર્ટની જેમ, દેશના કેટલાક અન્ય એરપોર્ટ્‌સમાં પણ આવી ખતરનાક ડિઝાઇન છે જેને ટેબલટોપ રનવે કહેવામાં આવે છે. આમાં મંગ્લોરનું એરપોર્ટ અને મિઝોરોમનું લેંગપુઇ એરપોર્ટ સામેલ છે. વર્ષ ૨૦૧૦ માં મેંગલોર એરપોર્ટ પર આવી જ દુર્ઘટના બની હતી જેમાં ૧૫૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટના પછી પણ નિષ્ણાતોએ સલાહ આપી હતી કે તમામ ટેબલટોપ રનવે પર લેન્ડિંગ માટે ખાસ તાલીમ લેવી જરૂરી છે. શુક્રવારે રાત્રે કોઝિકોડ પહોંચેલી ફ્લાઇટના બંને પાઇલટ્‌સ અનુભવી રહ્યા હતા, છતાં પણ આ દુર્ઘટના બની.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.