ડીજેના તાલે વ્યક્તિ હથિયાર સાથે ડાન્સ કરતો રહ્યો
અમદાવાદ, અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ તલવારથી કેક કાપવાની ઘટનાઓ બની હતી. સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તલવાર લઈને એક શખસ ડાન્સ કરી રહ્યો છે.
ત્યારે પોલીસ હવે આ બાબતે શુ કાર્યવાહી કરે છે તે જાેવાનું રહેશે. શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે જેની વચ્ચે બે દિવસ પહેલા જ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે હથિયારબંધી અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં તલવાર, શસ્ત્ર અને દંડા જેવા હથિયાર રાખવા તે ગુનો બને છે.
પરંતુ અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં લગ્નપ્રસંગના વરઘોડા દરમ્યાન જાહેરમાં તલવાર વડે ડાન્સનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. એક વ્યક્તિ જાહેર રોડ પર તલવાર ફેરવી અને ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયો ચમનપુરા વિસ્તારમાં પંજાબી સોસાયટી પાસેનો હોવાની ચર્ચા સોશ્યલ મીડિયા પર થઈ રહી છે.
જાહેરમાં તલવાર વડે કેક કાપવા અને ડાન્સ કરવાના કિસ્સાઓ અમદાવાદમાં વધી રહ્યા છે. રામોલ, બાપુનગર, વેજલપુરમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી. રામોલમાં એક સોસાયટીમાં પણ આવો બનાવ બન્યો હતો. જેમાં રામોલ પોલીસની શંકાસ્પદ કામગીરી સામે આવી હતી. ૧૦થી વધુ લોકો હાજર હોવા છતાં ગણ્યા ગાંઠયા લોકો સામે જ કાર્યવાહી કરી હતી.
જે શખ્સ સામે કાર્યવાહી કરી હતી તે પણ વગ ધરાવતો હોવાનું સામે આવ્યું હતું. આરોપીની આ પાર્ટીમાં પોલોસકર્મી જેવા લોકો પણ જાેવા મળ્યા હતા છતાંય કાર્યવાહી થઈ નહોતી. બીજીતરફ બાપુનગરમાં પણ તલવારથી કેક કાપવાનો ગુનો નોંધાયો હતો અને પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ બનાવો લોકડાઉનમાં કરફ્યુ સમયે બન્યા હતા.