ડીસાના વેપારીને ઘીમાં ભેળસેળ મામલે ત્રણ લાખનો દંડ

ગાય બ્રાન્ડના ગાયના ઘીના બે સેમ્પલ પરીક્ષણમાં ફેઈલ થતા દંડનીય કાર્યવાહી કરાઈ
પાલનપુર, સરહદી બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં આવેલ એક ગાયના ઘીની પેઢીમાંથી એક વર્ષ અગાઉ ફુડ વિભાગની ટીમ દ્વારા લેવાયેલ ગાયના ઘીના બે જુદા જુદા સેમ્પલ તંત્રના પરીક્ષણમાં ફેઈલ થયા અને આ ઘીમાં ભેળસેળ કરાયો હોવાનું સામે આવતા આ પેઢીના માલિક સામે પાલનપુર અધિક નિવાસી નાયબ કલેક્ટરની કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો.
જેમાં ખાદ્ય પદાર્થમાં મિલાવટ મામલે વેપારીને રૂપિયા ત્રણ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સરહદી બનાસકાંઠા જિલ્લાના ફુડ વિભાગના ઈન્સ્પેક્ટર એ.વી.જાેશી અને પી.એચ.પટેલે વર્ષ ૨૦૨૦માં ખાદ્ય પદાર્થાેમાં મિલાવટ અને ભેળસેળ રોકવા માટે ડીસા ખાતે આવેલા મહાવીર પ્રોડક્ટ્સના ગાય ઘી બ્રાન્ડના ગાયના ઘીના એક પંદર કિલોના ડબ્બામાંથી અને એક કિલો ગાયના ઘીના ડબ્બામાંથી જુદા જુદા બે સેમ્પલ લેવામાં આવ્યા હતા.
અને આ ઘી શુદ્ધ છે કે તેમાં ભેળસેળ છે ? તે માટે તેને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલાયા હતા. જેના રિપોર્ટમાં આ ઘીના સેમ્પલમાં ભેળસેળ કરાઈ હોવાનું આવતા મહાવીર પ્રોડક્ટ્સમાં માલિક દીપકભાઈ જગદીશચંદ્ર કાનુડાવાળા સામે પાલનપુરના અધિક નાયબ નિવાસી કલેક્ટર એ.ટી.પટેલની કોર્ટમાં કેસ ચાલી જતા નાયબ કલેક્ટરે ગાયના ઘીમાં ભેળસેળ મામલે મહાવીર પ્રોડક્ટના માલિક બે સેમ્પલમાં દોઢ લાખ તેમજ દોઢ લાખ મળી કુલ ત્રણ લાખનો દંડ ફટકાર્યાે છે. જેને લઈ ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓમાં મિલાવટ કરતા વેપારીઓ તેમજ પેઢીઓના માલિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.