ડીસામાં મૂકબધિર સગીરા પર દુષ્કર્મ ગુજારી ગળુ કાપી નાખનાર નરાધમને ફાંસીની સજા

ડીસા, બનાસકાંઠા જિલ્લાના ડીસામાં દોઢ વર્ષ અગાઉ મૂકબધિર સગીરા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર નીતિન માળી નામના આરોપીને ડીસા એડિશનલ સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ડીસા કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ આરોપીને ફાંસીની સજા અપાઇ છે.
ડીસામાં દોઢ વર્ષ અગાઉ શખ્સે 11 વર્ષીય મૂકબધિર સગીરાનું અપહરણ કરી અવાવરૂ જગ્યામાં લઇ જઇને દુષ્કર્ણ આચર્યું હતું. ત્યારબાદ સગીરાનું ગળુ કાપીને હત્યાં કરી દેવામાં આવી હતી. આરોપી સામે પોક્સો 376, 302 મુજબ ગુનો નોંધાયો હતો. માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં કોર્ટે કેસ ચલાવી આરોપીને ફાંસીની સજા આપી છે.
ડીસામાં 11 વર્ષીય મૂકબધિર સગીરાનું શખ્સે 16-10-2020ના રોજ અપહરણ કર્યું હતું. સરીગાનું અપહરણ થયા બાદ પરિવારજનોએ આખી રાત શોધખોળ કરી હતી, પરંતુ ક્યાંય પત્તો ન લાગતાં આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરતાં એક શખ્સ સગીરાને લઇ જતો જોવા મળ્યો હતો.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતાં ડીસાથી દુર દાંતીવાડા તાલુકામાંથી સગીરાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. જેમાં સગીરાનું માથું ધડથી અલગ હતું. આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં નીતિન માળી નામના આરોપીની ધરપકડ કરી હતી.
નિતિન માળીની ધરપકડ બાદ 16 માસ સુધી ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો અને તેમાં 58 સાક્ષી જૂબાની અને 50 જેટલી તારીખો પડ્યા બાદ આજે 51મી તારીખના ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટના જજ બી.જી દવેએ આરોપી નિતિન માળીને આ ઘટનામાં કસૂરવાર ઠેરવીને એક મૂકબધિર બધીર બાળાનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી નિર્દયતા પૂર્વક હત્યા કરવા બદલ ફાંસીની સજા ફટકારી છે. ડીસામાં દુષ્કર્મની ઘટનામાં ફાંસીની સજા ફટકારવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના છે.
મૂકબધિર બાળાના પરિવારજનોએ ન્યાયની માંગ કરી રહ્યા હતા અને અગાઉ પણ આ ઘટનાને અંજામ આપનાર નિતિન માળીને માત્રને માત્ર ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા હતા. આજે આ બાળકીના પરિવારજનો અને આ બાળકી જે શાળામાં અભ્યાસ કરતી હતી તે શાળાના આચાર્યા અને તેના સાથી વિદ્યાર્થી મિત્રો પણ ડીસા કોર્ટ ખાતે પહોંચી ગયા હતા.
આજે ડીસા કોર્ટની બહાર જ આરોપીને નિતિન માળીને ફાંસીની સજા કરવાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. અંતે કોર્ટે આરોપીને ફાંસીની સજાનો હુકમ કરતાં મૂકબધિર બળાના પરિવારજનો ભાવુક થઈ ગયા હતા અને મૂકબધિર બાળાના હત્યારાને ફાંસીની સજા આપવામાં આવતા તેમણે ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.