ડીસામાં લબરમુછીયા રીક્ષાચાલકોની મનમાનીથી પ્રજામાં આક્રોશ

પ્રતિકાત્મક
ડીસા, હાલમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે તેમાંય ત્રીજી લહેરની દહેશતને લઈને લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લબરમુછીયા રિક્ષા ચાલકોની મનમાની વધી પડી છે જેઓ બેફામ ઝડપે રિક્ષા હંકારી રહ્યા છે
જેના કારણે અવાર નવાર નાના-મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે તદુપરાંત આવા લબરમુછિયા રિક્ષા ચાલકો પાસે કોઈપણ પ્રકારના લાયસન્સ કે અન્ય ડોક્યુમેન્ટ પણ હોતા નથી. તેમ છતાં કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર રિક્ષામાં મોટા અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડી અવાજનું પ્રદુષણ પણ ફેલાવી રહ્યા છે.
ડીસાના વિવિધ માર્ગો પર ચાહે સવાર, બપોર કે સાંજનો સમય હોય યા મોડી રાતનો સમય હોય તો પણ પોલીસની કોઈપણ જાતની ડર વગર બેફામ રીતે મોટા અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડી ઘોંઘાટ ફેલાવે છે જેથી લોકો અને રાહદારીઓ ભારે ત્રાસ અનુભવે છે.
જયારે બાળકો અને વડીલોનું તો આવી બને છે તેમાં પણ અશ્લીલ ગીતો વગાડતા મહિલાઓની હાલત કફોડી બની જાય છે. આવા છબરમુછીયા અને વગર લાયસન્સનો બેફામ રિક્ષાઓ હંકારતા શિખાઉઓ સામે નગરપાલીકા તંત્ર, પોલીસ તંત્ર તથા આરટીઓ તંત્ર દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરી આવા લબરમુછીયા ચાલકોને કાયદાના પાઠ શીખવાય તેવો જનમત પ્રવર્તે છે.