ડીસામાં ૧૦૦ બેડની અત્યાધુનિક હોસ્પિટલનું સી. આર. પાટીલના હસ્તે લોકાર્પણ

નીમ્સ હોસ્પિટલ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના દર્દીઓને આશીર્વાદ રૂપ નિવડશે
ડીસા, બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે નીમ્સ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ ૧૦૦ બેડની અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, લોકસભા સાંસદ પરબતભાઈ પટેલ, રાજયસભા સાસદ દિનેશભાઈ અનાંવાડીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ, નીકાબેન પ્રજાપતિ, બનાસડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી, કાંકરેજ વિધાયક કીર્તિસિંહ વાઘેલા, ડીસા વિધાયક શશીકાંત પંડયા, બનાસકાંઠા પ્રભારી નંદાજી ઠાકોર, સુરેશભાઈ શાહ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ,
મહામંત્રી ડાહ્યાભાઈ પિલિયાતર, સહીત અનેક ધારાસભ્યો, જિલ્લા પંચાયત સદસ્યગણ, ભાજપ જિલ્લા કાર્યકર્તાઓ સહીત ડીસા મેડિકલ એશોસિએશનના તમામ ડોકટરગણ હાજર રહ્યા હતા.
આ ૧૦૦ બેડની અત્યાધુનિક હોસ્પિટલ રાજસ્થાન સહીત ગુજરાતમાં ઉત્તર ગુજરાતના તમામ જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનશે તેવું જણાવી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હોસ્પિટલ મેનેજમેન્ટ અને જિલ્લા વાસીઓને અભિનંદન આપ્યા હતા.
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ પ્રકારની માનવ સેવા કરતા તમામ સેવાધારીઓને બિરદાવ્યા હતા અને મેડિકલ સેવા, અન્નદાન અને અંગદાન કરતા લોકો અને એનજીઓના મંચ પરથી ભરપેટ વખાણ કરી આ સેવા સરવાણીની પ્રશંસા કરી, આવી સેવા કરવા સક્ષમ તમામ અન્યોને પણ સેવાની આવી સરવાણી થકી માનવસેવા માટે આગળ આવવા અપીલ કરી હતી.
તેઓએ માત્ર ૩ રૂપિયામાંથી રોટલી સાથેનું પાકું ભાણું આપનાર ગુજરાતના અન્નદાતાની પણ પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આ અન્નદાતાના કોઠાર આજે પણ ભરેલા છે જાે તમો સેવા યોગ્ય કરશો તો દાતાઓ આપોઆપ જાેડાશે અને માનવ કલ્યાણની જયોત પ્રજવલિત થતી રહેશે.
દેશની તમામ ખાનગી હોસ્પિટલોમાં પીએમ આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને નિઃશુલ્ક મેડિકલ સહાય મળે છે તેવું જણાવી તેમણે પ્રધાનમંત્રી મોદીની આયુષ્યમાન ભારત યોજના થકી મોટા ખર્ચના તમામ રોગો સામે નિઃશુલ્ક સારવાર યોજનાનું મહત્વ સમજાવ્યું હતું અને આ યોજનાથી ગરીબ દર્દીઓને થતાં લાભ માટે દેશભરમાં આરોગ્યલક્ષી સેવાઓનું સતત અપડેટ્સ અને મોનીટરીંગ સાથે રાહત મદદરૂપ પીએમ મોદીના યોગદાનને વધાવ્યું હતું.