ડીસા તાલુકાની ટેટોડા ગૌશાળામાં કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેતા બનાસકાંઠા કલેકટર
બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે ટેટોડા ગૌશાળા ખાતે ગૌ માતાનું પૂજન કરી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે ડીસા તાલુકાના ટેટોડા મુકામે આવેલ શ્રી રાજારામ ગૌશાળા ખાતે ગૌ માતાનું પૂજન કરી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. સંભવિત કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બની રહ્યું છે
ત્યારે આ લહેરના સામના માટે તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કલેકટરશ્રી આનંદ પટેલે ડીસા તાલુકાની શ્રી રાજારામ ગૌશાળા ટેટોડામાં એલોપેથી અને આયુર્વેદીક પધ્ધતિથી અપાતી સારવાર અંગે જાત નિરીક્ષણ કરી કોવિડ કેર સેન્ટરની સુવિધાઓ અને સારવાર પધ્ધતિ અંગે જાણકારી મેળવી હતી.
૫૦૦ જેટલાં બેડની સુવિધાવાળા આ કોવિડ કેર સેન્ટરમાં એમ.બી.બી.એસ. અને આયુર્વેદીક તબીબો સહિત કોરોના સંક્રમિત દર્દીઓને સારી સારવાર ઉપલબ્ધ થાય તેની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે.
કલેકટરશ્રી આનંદ પટેલે શ્રી રાજારામ ગૌશાળા ટેટોડાના સંચાલકો અને મહંતશ્રી રામરતન મહારાજની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતાં જણાવ્યું કે,
અબોલ પશુઓની સેવા સાથે કોરોનાના કપરા સમયમાં ગરીબ લોકોની સેવા માટે આગળ આવી શ્રી રાજારામ ગૌશાળા દ્વારા ખુબ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે જે આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.
કલેકટરશ્રીની મુલાકાત વેળાએ શ્રી રાજારામ ગૌશાળાના મહંતશ્રી રામરતનજી મહારાજ, ડીસા પ્રાંત અધિકારીશ્રી હિરેન પટેલ, મામલતદારશ્રી એ. જે. પારઘી સહિત અધિકારીઓ, તબીબો અને સેવાભાવી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.