ડીસા-ભીલડી હાઈવે પર લગ્ન મંડપમાં આગથી અફરાતફરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
પાલનપુર,ડીસા -ભીલડી હાઈવે પર એક લગ્નના મંડપમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. બનાવને પગલે લગ્ન પ્રસંગમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા મંડપ બળીને ખાક થઈ ગયો છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
બનાવને પગલે સ્થાનિકોએ પણ પાણીનો મારો ચલાવ્યો હતો. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના ડીસા-ભીલડી હાઈવે પર આવેલા માલગઢ ગામની છે. જ્યાં એકસાથે ચાર દીકરીઓના લગ્ન યોજાયા હતા.
લગ્નવિધિ પૂર્ણ થયા બાદ જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા ત્યારે મંડપમાં લાગેલી સામાન્ય આગે જાેતજાેતામાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગને પગલે લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવેલા સેંકડો લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગને પગલે સ્થાનિક લોકોએ માટી અને પાણીનો મારો ચલાવતા મોટી જાનહાનિ ટળી છે.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આમ ફટાકડાને કારણે જ લગ્ન મંડપમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.