ડેક્સામેથાસોન કોરોનામાં રામબાણ સાબિત થઇ શકે
કોરોના રોગચાળાના પ્રારંભે દવા મળી હોત તો બ્રિટનમાં ૫૦૦૦ લોકોને બચાવી શકાયાં હોતઃ સંશોધકોનો દાવો
નવી દિલ્હી, સસ્તી અને વ્યાપક વપરાશમાં લેવાતી ડેક્સામેથાસોન નામની દવા કોરોનાની બીમારીથી પીડાતા દર્દીઓ માટે કારગત હોવાનું બીબીસીના એક રિપોર્ટમાં જણાવ્યું છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ડેક્સામેથાસોન અત્યંત ગંભીર હોય તેવા દર્દીઓ માટે નવું જીવન આપવાની શક્યતા ધરાવે છે. અમેરિકી એક્સપર્ટે કહ્યું છે કે જીવલેણ વાયરસ સામે આ સ્ટીરોઈડના નાના ડોઝ થકી સારવાર સફળ પુરવાર થઈ રહી છે.
વેન્ટીલેટર પર રાખવામાં આવેલા બે તૃતિયાંશ દર્દીઓને તે મોતમાં મુખમાં જતાં ઉગારી લે છે. ઓક્સિજન પર છે તેવા લોકોના કેસમાં પાંચમા ભાગના મોતને નિવારી શકાય છે. સંશોધકોએ એવા અંદાજ મૂક્યો છે કે જો બ્રિટનમાં કોરોના વાયરસનો ચેપ ફેલાયો તે સમયે જ આ દવા ઉપલબ્ધ બની ગઈ હોત તો રોગચાળામાં માર્યાં ગયેલાં ૫૦૦૦ લોકોનો જીવ બચાવી શકાયો હોત. આ દવા સસ્તી છે તેથી ગરીબ દેશોમાં પણ તેનાથી સહેલાઈથી સારવાર કરાવી શકાય છે, તેમ રિપોર્ટમાં જણાવ્યું છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે ૨૦માંથી ૧૯ દર્દીઓ કે જેમને કોરોના વાયરસ થયો છે તેઓ હોસ્પિટલમાં ગયા વિના સાજા-નરવા થાય છે. જે લોકો હોસ્પિટલમાં દાખલ થાય છે તેમને પણ સારું થઈ જાય છે, પણ કેટલાકને ઓક્સિજન કે મિકેનિકલ વેન્ટીલેટરની જરુર રહે છે. આવા હાઈ રિસ્ક ધરાવતા દર્દીઓમાં ડેક્સામેથાસોન દવા અત્યંત મદદરુપ બને છે. કોરોનાને કારણે શરીરમાં ઈન્ફલેશનની જે સમસ્યા થાય છે તેમાં તે અત્યંત રાહત આપે છે. તે ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતાં શરીરનાં અંગોમાં જે નુકસાન થાય છે તેને પણ આ દવા રોકે છે.