ડેડીયાપાડાની સિવિલ હોસ્પિટલનાં સાધનો બે વર્ષથી ધૂળ ખાય છે
ડેડીયાપાડાની સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન ક્યારે?
હાડમારી વેઠીને લોકોએ ઘરઆંગણે સિવિલ હોવા છતાં સારવાર માટે બીજા શહેરોમાં જવું પડે છે
નર્મદા, છેવાડાના માનવીનો વિકાસ થાય તેના માટે સરકાર સહિત સામાજિક અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવતા હોય છે, પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે જરુરિયાતવાળી અંતિમ ઘડીએ તેમને મદદથી વંચિત રહેવું પડતું હોય છે.
સુવિધાઓ તેમની નજર સામે હોવા છતાં તેમને તેનો લાભ મળતો નથી. આવું જ નર્મદાના ડેડીયાપાડા તાલુકામાં બની રહ્યું છે. અહીં પાછલા બે વર્ષથી તૈયાર સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ ક્યારે? કરાશે તે પ્રશ્ન સ્થાનિકોને સતત થઈ રહ્યો છે. ડેડીયાપાડામાં નવી હોસ્પિટલ તો બનાવી પરંતુ ડોક્ટર સહિત સ્ટાફની જગ્યાઓ ખાલી છે, જેના પરિણામે અદ્યતન સાધનો ધૂળ ખાઈ રહ્યા છે.
નર્મદા જિલ્લાના આદિવાસી વસ્તી ધરાવતા ડેડીયાપાડામાં ચાર વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરેલી અને બે વર્ષથી તૈયાર થઈ ગયેલી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કેટલાક સમયથી અટવાયું છે. બે માળની અદ્યતન સુવિધાઓ સાથે બનેલ સિવિલ હોસ્પિટલના બિલ્ડીંગના લોકાર્પણ માટે જાણે સ્થાનિક વહીવટી તંત્રને કોઈ શુભમુહૂર્ત ન મળતું હોય એવું લાગી રહ્યું છે.
જેના કારણે મુશ્કેલીના સમયમાં પોતાની નજર સામે હોસ્પિટલ હોવા છતાં લોકોએ કપરી હાડમારી સામનો કરવો પડી રહ્યો છે. ૩૦૫ જેટલા ગામોની અંદાજીત સાડા ત્રણ લાખ જેટલી વસ્તી ધરાવતાં ડેડીયાપાડા તાલુકામાં લોકોને આરોગ્યની સુખાકારી માટે નવી અદ્યતન સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગ બનાવવામાં આવી છે.
જેમાં અંદાજીત બે કરોડના ખર્ચે અદ્યતન સાધનો પણ મૂકવામાં આવ્યા છે. પરંતુ તંત્ર દ્વારા તેનો વિધિવત લોકાર્પણ ન થતાં લોકોને તેનો લાભ મળી રહ્યો નથી. અદ્યતન સાધનો જેવા કે એક્સ રે મશીન, લેબોરેટરી, બેડ વગેરે જેવી સુવિધા હોસ્પિટલમાં આપવામાં તો આવી છે, પરંતુ આ સાધનોને ચલાવવા માટે યોગ્ય ટેક્નિશિયનની ભરતી ન કરાતા આ સાધનો હાલ તો ધૂળ ખાતા નજરે પડે છે.
બીજી તરફ ડૉકટરો તેમજ પૂરતો સ્ટાફ ન હોવાને કારણે લોકોને કપરા સમયમાં સારવાર માટે છેક વડોદરા પણ જવું પડતું હોય છે. પૂરતા ડૉક્ટરો તેમજ સાધનોના અભાવે વર્ષોથી ડેડીયાપાડા તાલુકાના દર્દીઓને રાજપીપળા કે ઝઘડીયા રીફર કરી દેવામાં આવે છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટાયા બાદ નવમા દિવસે જ તેમણે ડેડિયાપાડાની સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
ત્યાં તેમણે તંત્રને ચેતવણી આપી હતી કે એક મહિનામાં નવા સિવિલ હોસ્પિટલમાં સુવિધા ન અપાય અને પૂરતો સ્ટાફ ભરવામાં ન આવે તો સરકારી હોસ્પિટલને તાળાબંધી કરવામાં આવશે. તેમજ નવ નિર્મિત સરકારી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ એક મહિનામાં ન થાય તો પ્રજાના તમામ પક્ષના પ્રતિનિધિઓને બોલાવી સાથે લોકાર્પણ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
ફરી એકવારે હાલમાં ડેડીયાપાડાના ધારાસભ્યએ આરોગ્ય મંત્રી સાથે ટેલિફોનિક વાત કરીને વહેલી તકે હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફની ભરતી કરી લોકાર્પણ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જેથી સાગબારા અને ડેડીયાપાડાના દર્દીઓને સારવાર મળી રહે અને હાડમારીથી મુક્તિ મળી શકે.ss1