ડેન્ગ્યુને અટકાવવા સમયસર સારવાર જરૂરી છે
ચારૂસેટ હોસ્પિટલમાં ડેન્ગ્યુ વિષે માહિતીસભર સેમિનાર: ચરોતરના 50થી વધુ તબીબોએ ભાગ લીધો ચાંગા:
નડિયાદ, હાલમાં ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ તાવના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ચરોતરમાં ડેન્ગ્યુના તાવ વિષે સામાન્ય નાગરિકો તેમના પરિવારિક ડોકટર મિત્રો થકી માહિતગાર થાય તે દિશામાં જાણકારી આપવા ચાંગાસ્થિત વિખ્યાત મલ્ટી સ્પેશિયાલિટી અને NABH પ્રમાણિત ચારૂસેટ હોસ્પિટલના ઉપક્રમે ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ઇન્દુકાકા ઇપ્કોવાળા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં 31મી ઓગસ્ટે શનિવારે કન્ટીન્યુઈંગ મેડીકલ એજ્યુકેશન (CME) સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
“એન એપ્રોચ ટુ અ કેસ ઓફ ડેન્ગ્યુ ફીવર: ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ એન્ડ પ્રીવેન્સન” વિષય પર આયોજિત કન્ટીન્યુઈંગ મેડીકલ એજ્યુકેશન પ્રોગ્રામમાં વક્તા તરીકે ચારુસેટ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ડાયાબિટોલોજિસ્ટ ડો. અર્પણ શાહ ઉપસ્થિત રહ્યા હતા ડો. અર્પણ શાહે ડેન્ગ્યુ તાવની ઉત્પત્તિ, નિદાન, ઉપચાર, અને અટકાવ વગેરે પાસાઓનું માહિતીસભર પૃથકકરણ કરીને વિગતવાર માહિતી આપી હતી.
ડો. અર્પણ શાહે કહયું હતું કે દર્દીઓ પહેલા સ્થાનિક ડોક્ટરો-ફેમિલી ફિઝિશિયનો પાસેથી સારવાર લેતા હોય પણ સારું ન થતું હોય તો એમ. ડી. ફિઝિશિયનને બતાવવાનું અગત્યનું છે જેથી આગળ જતાં કોંપ્લિકેશન અટકાવી શકાય અને સારી સારવાર મળી શકે. ડેન્ગ્યુ થયો હોય ત્યારે દર્દીઓએ ડેન્ગ્યુ વાઇરલ ફીવરમાં વધારે પાણી પીવું, આરામ કરવો, પાચન થાય તેવો ખોરાક ખાવો, તાવની ગોળી લેવી જોઈએ. નેશનલ વેકટર બોન્ડ ડીસીસ કંટ્રોલ પ્રોગ્રામ નિમિત્તે જે નિશુલ્ક તપાસ ડેન્ગ્યુ માટે થાય અને તાલુકા-જિલ્લા કક્ષાએ જે મદદ થઈ શકે તેની પણ જાણ જે તે સ્થાનિક ડોક્ટરને કરવી જોઈએ.
પોતાના વિસ્તારમાં ડેન્ગ્યુના કેટલા કેસો છે તે વિષે સરકારને માહિતી આપી કેવી રીતે સારવાર કરવી તેની સમજ અપાઈ હતી. ગુજરાતમાં જાન્યુઆરી 2019થી અત્યાર સુધીમાં લગભગ ડેન્ગ્યુના 800થી વધુ કેસો નોંધાયેલા છે. સેમિનારમાં ચારુસેટ હોસ્પિટલની કોર કમિટીના સભ્યો અશોકભાઇ પટેલ, એચ. ટી. પટેલ, દિલીપભાઇ પટેલ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ ટીડી ઓફિસર (લેપ્રસી) ડૉ. ફૂલમાલી, ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર (વેકટર બોર્ન ડીસીસ) ડૉ. કુલશ્રેષ્ઠ, આયુર્વેદિક મેડિકલ એસોસીએશન, નડિયાદના સિનિયર સલાહકાર ડો. અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, ચારુસેટ હોસ્પિટલના મેડિકલ કો-ઓર્ડિનેટર ડો. શુભાંગી કોસ્ટાએ સ્વાગત પ્રવચન કરીને તમામ મહેમાનો અને ડોક્ટરોને આવકાર્યા હતા અને ચારુસેટ હોસ્પિટલની માહિતી આપી હતી.
ચારુસેટ હોસ્પિટલની કોર કમિટીના સભ્ય એચ. ટી. પટેલે ઉપસ્થિત તમામ ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં સાથ-સહકાર આપવા અનુરોધ કર્યો હતો. સેમિનારનું સુંદર સંચાલન હોસ્પિટલના જુનિયર એચ. આર. એડમિનીસ્ટ્રેટર ચાંદની પટેલે કર્યું હતું.
આ પ્રસંગે આણંદ અને ખેડા જિલ્લાના લગભગ 50થી વધારે જનરલ ફિઝિશિયનો ઉપરાંત ચારૂસેટ હોસ્પિટલના વિવિધ વિભાગોના કન્સલ્ટન્ટ ડોકટરો અને સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા, સેમિનારના સમાપન પછી તમામ ડોકટરોએ ચારુસેટ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા. આ CMEનો હેતુ સમાજના પ્રત્યેક વર્ગના દર્દીઓને ડેન્ગ્યુ તાવ જેવા અગત્યના આરોગ્યલક્ષી મુદ્દા વિષે તેમના પારિવારિક ડોકટર મિત્રો દ્વારા CME ના માધ્યમથી જાણકારી પ્રાપ્ત થાય તે માટે ડેન્ગ્યુ ફીવર વિષે દર્દીલક્ષી માહિતી પ્રસારિત કરવાનો હતો.
ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ થવાનું જોખમ વધુ હોય છે. ડેન્ગ્યુ તાવ ચોમાસામાં વરસાદના કારણે અને વાયરસને કારણે થતો મચ્છરજન્ય રોગ છે. સામાન્ય રીતે ચેપના ત્રણથી ૧૪ દિવસ પછી તેના લક્ષણો શરૂ થાય છે. આમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી થવી, માંસપેશીઓ અને સાંધાનો દુખાવો અને ત્વચામાં ફોલ્લીઓ થાય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, તાવ આવ્યા પછી જ ડેન્ગ્યુ થાય છે અને જો તાવ ન આવે તો ડેન્ગ્યુ નથી થયો.
પરંતુ જો તાવ ન આવ્યો હોય તો પણ ડેન્ગ્યુ થઈ શકે છે. સામાન્ય ડેન્ગ્યુમાં દર્દીને ભારે તાવ અને શરીરમાં દુખાવો થાય છે. આ ડેન્ગ્યુ ડાયાબિટીસ, વડીલો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં વધુ જોવા મળે છે. ડેન્ગ્યુમાં સામાન્ય ઇન્ફેક્શન થાય છે. દર્દીને તાવ, શરીરમાં દુખાવો અને ચામડીમાં ચાંઠા પડે છે. બ્લડ ટેસ્ટ કરાવ્યા પછી તેમના શરીરમાં પ્લેટલેટ્સની ઊણપ પણ જોવા મળે છે.
ચોમાસામાં જો કોઈ વ્યક્તિને શરીરમાં દુખાવો, થાક, ભૂખ ન લાગવી, શરીર પર રેશિસ (લાલ ચકામાં), લો-બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થાય અને તાવ ન આવે તો ‘એફેબ્રિલ ડેન્ગ્યુ’ હોઈ શકે છે.