ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકનગુનિયા રોગથી બચવાના ઉપાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/National-Dengue-Day.jpg)
દાહોદ, ગત ૧૬ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે મેલેરિયા શાખા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, દાહોદ દ્વારા ડેન્ગ્યુ અંગે લોકો જાગૃત બને તે માટે વિવિધ માધ્યમો થકી વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા રોગ સામે સામુદાયિક ઝુંબેશ યોજવામાં આવી હતી. જિલ્લા મેલેરિયા અધિકારીશ્રીએ આ નિમિત્તે કેટલીક માહિતી જનજાગૃતિ અર્થે જણાવી છે.
તેમણે જણાવ્યું કે, ડેન્ગ્યુ, ચીકનગુનિયા એડીસ ઇજીપ્તી નામના મચ્છરથી ફેલાય છે. ડેન્ગ્યુ, ચીકનગુનિયાને અટકાવવા માટે આ મુજબના ઉપાયો કરવા જોઇએ. આ મચ્છર દિવસે કરડતા હોવાથી તેનાથી બચવા આખું શરીર ઢંકાઇ જાય તેવા કપડાં પહેરો. ઘર કે ઓફીસમાં ફ્રીઝની ટ્રે, ફુલદાની, ફુલર, કોઠી, પીપ, માટલું, સિમેન્ટની ટાંકી વિગેરેનું પાણી દર ૩ દિવસે ખાલી કરીને અંદરથી બરાબર સાફ કરીને નવું પાણી ભરવું. ઓવરહેડ અને અન્ડરગ્રાંઉન્ડ ટાંકીના ઢાંકણ ચુસ્ત બંધ કરીને રાખવા.
મેલેરીયા માદા એનોફીલીસ મચ્છરથી ફેલાય છે. મેલેરીયા અટકાવવા માટે આ મુજબના પગલા લેવા જોઇએ. તાવ આવે કે તુરત નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો. ઝડપી નિદાન અને સારવાર માટે તમારા લોહીની તપાસ કરાવો.
બીજી અગત્યની બાબત એ છે કે માણસ અને મચ્છર વચ્ચેનો સંમ્પર્ક અટકાવવા વિવિધ ઉપાય યોજવા જોઇએ. જેમ કે, જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છરને દૂર રાખનાર મલમનો ઉપયોગ કરો. સાંજે ઘરમાં લીમડાનો ધુમાડો કરો, સંધ્યા સમયેથી જ તમારા મકાનના બારીબારણાં બંધ કરો.
જંતુનાશક દવાના છંટકાવથી રહેણાંક ઘરોમાં તમામ ઘરોમાં તમામ રૂમો આવરી લેવાય તેની પૂરેપૂરી કાળજી લો. ઘર કે ઓફીસમાં ફુલદાની, કુલર, સિમેન્ટની ટાંકી વગેરેનું પાણી દર ૩ દિવસે બદલો. બંધિયાર પાણી વહેતું ન કરી શકાય તેવા સંજોગોમાં પાણીમાં પોરાભક્ષક માછલી બળેલું ઓઇલ કે કેરોસીન નાખો. રહેણાંક ઘરોની આસપાસના પાણી ભરાવવાના સ્થળો દુર કરો. મેલેરિયાથી બચવા લોકજાગૃતિ જરૂરી છે. લોકો ઉક્ત ઉપાયો યોજીને મેલેરિયા જેવા રોગથી બચી શકે છે.