ડેન્ગ્યુ સામે ભરૂચ નગરપાલિકાની વિશેષ ઝુંબેશ
ભરૂચ: ડેન્ગ્યુના વધતા જતા વાવડ સામે ભરૂચ નગરપાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત જનજાગૃતિ સહિત ફોગીંગ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભરૂચ શહેર અને જીલ્લામાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.કેટલાક દર્દીઓના મોત પણ ડેન્ગ્યુ માં થવાનું નોંધાયું છે.ત્યારે ડેન્ગ્યુ સામે ભરૂચ નગર પાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત ભરૂચના વિવિધ વિસ્તારોમાં રીક્ષા દ્વારા ડેન્ગ્યુ ના થાય તે માટે શું સાવચેતી રાખવી અને થાય તો સારવાર માટે ક્યાં સંપર્ક કરવો તેની જાહેરાત કરવા સાથે હેન્ડ બિલ નું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ભરૂચ નગર પાલિકા ના 60 માણસોની ટીમ વિશેષરૂપે ડેન્ગ્યુ સામેની ઝુંબેશમાં કાર્યરત થઈ ભરાઈ રહેતા પાણીના નિકાલ સહિત મકાનો ની ટાંકી,માટલા ટાયરો,પંખીઓ માટેના પાણીના કુંડા વિગેરેમાં તપાસ કરી ડેન્ગ્યુના પોરા ની તપાસ કરી લોકોને સ્વચ્છતા જાળવવા અને પાણી બદલવા સમજાવી રહ્યા છે.
ભરૂચ નગર પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ પાલિકાની આ ડેન્ગ્યુ સામેની ઝુંબેશ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે રીક્ષા દ્વારા જન જાગૃતિ કેળવવા સાથે વિવિધ વિસ્તારોમાં ફોગીંગ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
ફોગીંગ માટે ભરૂચ નગર પાલિકા દ્વારા મોબાઈલ નંબર 7984168707 એ ડિવિઝન તેમજ 7069097169 બી ડિવિઝન માટે જાહેર કરી પોતાના વિસ્તારમાં ફોગિંગ થાય તે માટેની તકેદારી રાખવા પણ પાલિકા દ્વારા તાકીદ કરવામાં આવી છે.ત્યારે ભરૂચના પ્રજાજનો પાલિકાની ડેન્ગ્યુ સામેની ઝુંબેશમાં સહયોગી બને તે આવશ્યક છે.