ડેમમાં ડૂબી જવાથી મામા-ફોઇની દીકરીનાં મોત થયા
રાજકોટ: રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી મામા ફોઈની બે દીકરીઓના મોત નીપજ્યા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર ખાંભથી આવેલી રાજલ સોમાભાઈ ધાનોયા પોતાના ફોઈના ઘરે રોકાવા આવી હતી.
ત્યારે મામા ફોઈની બંને બહેનો કપડાં ધોવા માટે તળાવે ગઈ હતી. જે બાદ એક છોકરી તળાવમાં નાહવા પડી હતી ત્યારે તે ડૂબવા લાગી હતી. ફઇની પુત્રીને બચાવવા જતાં મામાની પુત્રી પણ ડૂબી હતી, જાેતજાેતામા બંને બહેનો તળાવમાં ડૂબી જતાં તેમના મૃત્યુ નીપજયા હતા. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી પ્રમાણે, માંડાડુંગર પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતા ભીમાભાઇ સાપરિયાને ત્યાં ખાંભા ગીરમાં રહેતા તેમના બહેનની પુત્રી રાજલ સોમાભાઇ ધાનૈયા (ઉ.વ.૧૩) અઠવાડિયાથી રોકાવા આવી હતી. રાજલ અને ભીમાભાઇની બે પુત્રી સુમી (ઉ.વ.૧૬) બુધવારે બપોરે આજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તળાવમાં કપડાં ધોવા ગયા હતા. કપડાં ધોયા બાદ રાજલ ધાનૈયા ડેમમાં નહાવા પડી હતી,
નહાતા નહાતા રાજલ ડૂબવા લાગી હતી. રાજલને ડૂબતા જાેઇ તેના મામાની પુત્રી સુમીએ પણ ડેમમાં ઝંપલાવ્યું હતું, જાેકે થોડીવારમાં તે પણ ડૂબવા લાગી હતી.
સ્થાનિકોએ બંને બહેનોને તળાવમાંથી બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જાેકે, બંને બહેનોના મૃતદેહ સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા હતા.
ત્યારે હૉસ્પિટલ પોલીસ ચોકી દ્વારા આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં તાત્કાલિક અસરથી આજીડેમ પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો.
બંને બહેનોના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવા માટે પીએમ રૂમ ખાતે મોકલી આપવામાં આવ્યા હતાં. તો સાથેજ જરૂરી પંચનામાની કાર્યવાહી કરી નિવેદનો પણ નોંધ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મૃતક એક બહેન ત્રણ ભાઇ અને ત્રણ બહેનોમાં તેના માતા-પિતાનું પાંચમા નંબરનું સંતાન હતી. જ્યારે કે મૃતક રાજલ બે ભાઈ અને ચાર બહેનમાં તેના માતા-પિતા નું બીજું સંતાન હતી.
ઉલ્લેખનીય છે કે, આજી ડેમ તેમજ આજી ડેમની આજુબાજુના વિસ્તારમાં આવેલ ખાણ તેમજ તળાવમાં ન્હાવા પડતા ડૂબી જવાના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મૃત્યુ નિપજ્યાનું સામે આવ્યું છે. તો બીજી તરફ આ પ્રકારના અનિચ્છનીય બનાવો અટકાવવા માટે ખુદ માતા-પિતાએ પણ સજાગ રહેવું જરૂરી છે.