Western Times News

Gujarati News

ડેમુ ટ્રેનના ભાડામાં તોતિંગ વધારો -પેટલાદ કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું

પેટલાદ,  કોરોના મહામારીને કારણે આણંદ – ખંભાત ડેમુ ટ્રેન માર્ચ ર૦ર૦થી બંધ કરવામાં આવી હતી. જે તાજેતરમાં શરૂ કરવામાં આવી છે. પરંતુ આ ટ્રેનના ભાડામા તોતિંગ વધારો થવાથી પેસેન્જરોની કમર તૂટીગઈ છે. જેના સંદર્ભે આજરોજ પેટલાદ કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપી ભાડા વધારો પરત ખેચવા રજૂઆત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ સવારે ૧૦ કલાકે કોંગ્રેસ કાર્યલયથી શહેર અને તાલુકાના હોદ્દેદારો એકત્ર થઈ રેલ્વે સ્ટેશન પહોચ્યા હતા. જ્યા તેઓએ પેટલાદ રેલ્વે માસ્તરને આવેદનપત્ર આપ્યું હતુ. રેલ્વેની વડોદરા સ્થિત ડીઆરએમ ઓફિસને સંબોધી આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતુ કે છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે.

જેને કારણે આણંદ – ખંભાત ડેમુ ટ્રેન તા.૧૬ માર્ચ ર૦ર૦ રોજ બંધ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન ચરોતરવાસીઓની રોજગારી ઉપર વિપરીત અસરો થવા પામી છે. ઉપરાંત લોકોના વેપાર-રોજગાર ઠપ્પ થઈ જવા સાથે નોકરીઓ પણ ગુમાવવાનો વારો આવ્યો છે.

આ અસહ્ય મોઘવારીમાં લોકો ઉપર વધુ એક પડતા ઉપર પાટા સમાન રેલ ભાડામાં વધારો થયો છે. આણંદ – ખંભાત ડેમુ ટ્રેન દ્વારા રોજે રોજ અસંખ્ય લોકો નોકરી અને વેપાર અર્થે આવ-જા કરતા આવ્યા છે. પરંતુ તાજેતરમાં તા.૧૬ ઓગષ્ટ ર૦ર૧ના રોજ પુનઃ શરૂ થયેલ ડેમુ ટ્રેનના ભાડામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.

લગભગ ૧૭ મહિના બાદ શરૂ થયેલ ડેમુ ટ્રેનના ભાડામાં ડબલ કરતા વધુ થવાને કારણે રોજીંદા પેસેન્જરોની કમર તૂટીજવા પામી છે. તેમાય માત્ર બે રૂટ શરૂ કરવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઉપરાંત રોજેરોજ અપડાઉન કરતા મુસાફરો માટે પાસ પણ કાઢી આપવામાં આવતા નથી.

જેને કારણે કારમી મોઘવારીમાં લોકોને આ ભાડુ પોસાય તેમ નથી. જેથી પેટલાદ શહેર અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો દ્વારા રેલ્વે વિભાગને આવેદનપત્ર આપી સદર ભાડા અગાઉ મુજબ યથાવત રાખવા તથા રૂટમાં વધારો કરવા રજૂઆત કરવામાં આવી છે.

આ સંદર્ભે પેટલાદ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય નિરંજન પટેલ, શહેર પ્રમુખ ભરતસિંહ, શહેર લઘુમતીના પ્રમુખ મુન્નાભાઈ પઠાણ, તાલુકા પ્રમુખ, પાલિકા અને તાલુકા પંચાયતના સભ્યો, હોદ્દેદારો, કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.