ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને મળી 21 દિવસની પેરોલ

નવી દિલ્હી, હરિયાણા સરકારે પંજાબ અને ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા જ રોહતકની સુનારિયા જેલમાં બંધ ગુરમીત રામ રહીમને 21 દિવસની પેરોલ આપી દીધી છે. રામ રહીમ સિરસા ડેરા ખાતે પોલીસના મોનિટરીંગમાં રહેશે.
આ કારણે સોમવારે પોલીસે જેલની આજુબાજુ સુરક્ષા વધારી દીધી હતી. રામરહીમને પોલીસના મોનિટરીંગમાં જ જેલમાંથી ડેરા ખાતે લઈ જવામાં આવશે અને આ માટે ગુરૂગ્રામ પોલીસ રોહતક પહોંચી ગઈ છે. પોલીસ કમિશનર ઉદય સિંહ મીના કાયદા અને વ્યવસ્થાને લઈ પોલીસ અધિકારીઓની 3 તબક્કાની બેઠક પણ યોજી ચુક્યા છે.
સીબીઆઈની વિશેષ કોર્ટે ઓગષ્ટ 2017માં રામ રહીમને 2 સાધ્વીઓ સાથેના દુષ્કર્મ કેસમાં સજા સંભળાવી હતી. બાદમાં પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડ અને રણજીત હત્યાકાંડમાં પણ સજા થઈ હતી. જેલના નિયમો પ્રમાણે કોઈ પણ કેદી પેરોલ કે ફરલો લઈ શકે છે. સરકાર અને જિલ્લા પ્રશાસન દ્વારા કાયદો-વ્યવસ્થા અને અન્ય આપત્તિઓ ધ્યાનમાં રાખીને આ અંગેનો નિર્ણય લેવામાં આવતો હોય છે. રામ રહીમ વર્ષ 2021માં કુલ 5 વખત જેલની બહાર આવ્યો હતો.
ગુરમીત રામ રહીમને ફરલો મળી તેને પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ તરીકે જોવામાં આવી રહ્યું છે. પંજાબમાં 20 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે અને ડેરા સિરસાનો પંજાબની અનેક વિધાનસભા બેઠકો પર પ્રભાવ છે.