ડેલ્ટા વેરિયન્ટનો કહેર, ભારત સહિત વિશ્વના દેશોમાં ૨૮ દિ’માં ૭૫% કેસ
જિનેવા: ભારતમાં ઘાતક નીવડેલી કોરોના વાયરસની બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિયંટ દુનિયાભરના દેશો પર કહેર વર્તાવી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ સંગઠન (ડબલ્યુએચઓ)ના તાજેતરમાં સામે આવેલા રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે, વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ અભિયાન અસરકારક રીતે ચાલી રહ્યું હોવા છતાં ડેલ્ટા વેરિયંટના કેસો વધી રહ્યા છે. ડેલ્ટા વેરિયંટના ઝડપથી ફેલાવાને લીધે ભારત, ચીન, રશિયા, ઇઝરાયેલ અને બ્રિટન સહિત અનેક દેશોમાં વિતેલા ૨૮ દિવસમાં ૭૫%થી વધુ કેસમાં ડેલ્ટા વેરિયંટથી સંક્રમણ સામે આવ્યું છે.
૨૦ જુલાઇએ વિશ્વ સ્વાસ્થ સંગઠનની વૈશ્વિક મહામારી પર સામે આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ડેલ્ટા વેરિયંટથી પ્રભાવિત થતાં દેશોની યાદીમાં સતત ઉમેરો થઇ રહ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, ડેનમાર્ક, ભારત, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, પોર્ટુગલ, ચીન, ડેનમાર્ક, રશિયા, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા અને બ્રિટન સહિતના અનેક દેશો સામેલ છે.
રિપોર્ટ દર્શાવે છે કે, વિતેલા સાત દિવસમાં સૌથી વધુ ૩,૫૦,૨૭૨ કેસ ઇન્ડોનેશિયામાંથી સામે આવ્યા છે, અહીં કેસના પ્રમાણમાં ૪૪ ટકાનો વધારો નોંધાયો છે. બ્રિટનમાં પણ આવી જ ગંભીર સ્થિતિ છે જ્યાં સાત દિવસમાં ડેલ્ટા વેરિયંટના ૨,૯૬,૪૪૭ નવા કેસ ૪૧%ના વધારા સાથે સામે આવ્યા છે. જ્યારે મહાસત્તા અમેરિકામાં ૨,૧૬,૪૩૩ નવા કેસ ૬૮%ના વધારા સાથે સામે આવ્યા છે. આ સિવાય બ્રાઝીલમાં ૨,૮૭,૬૧૦ નવા કેસ ૧૪%ના ઘટાડા સાથે અને ભારતમાં ૨,૬૮,૮૪૩ નવા કેસ ૮%ના ઘટાડા સાથે સામે આવ્યા છે.
આ પહેલા ડબલ્યુએચઓએ આશંકા વ્યક્ત કરી હતી કે, દુનિયાભરમાં ડેલ્ટા વેરિયંટના કેસ વાયરસના અન્ય વેરિયંટની સરખામણીએ વધારે ઝડપથી વધી શકે છે. સંસ્થાના જણાવ્યા મુજબ ૧૮૦ દેશોમાંથી વાયરસના આલ્ફા વેરિયંટના કેસ જ્યારે ૧૩૦ દેશોમાં બીટા વેરિયંટના કેસ સામે આવી ચૂક્યા છે. ગામા વેરિયંટના કેસ ૭૮ દેશ અને ડેલ્ટા વેરિયંટના કેસ ૧૨૪ દેશોમાં જાેવા મળ્યા છે.
ડબલ્યુએચઓના રિપોર્ટ મુજબ અન્ય વેરિયંટની સરખામણીએ ડેલ્ટા વેરિયંટથી સંક્રમત દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના ૧૨૦%, આઇસીયૂમાં દાખલ થવાની સંભાવના ૨૮૭% અને મૃત્યુ થવાની સંભાવના ૧૩૭% રહેલી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ૧૨ થી ૧૮ જુલાઇની વચ્ચે દુનિયાભરમાં સંક્રમણના ૩૪ લાખ નવા કેસ સામે આવ્યા જે આગળના અઠવાડિયાની સરખામણીએ ૧૨ ટકા વધારે હતા. જાેકે રિપોર્ટ મુજબ ભારત અને શ્રીલંકા માટે રાહતની વાત એ છે કે બંને દેશોમાં અઠવાડિયે સામે આવી રહેલા કેસ અને મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે.