ડૉક્ટરે ફી માગી તો દાંતથી આંગળી અલગ કરી નાખી
ભોપાલ: મધ્ય પ્રદેશમાંથી એક અજીબ બનાવ સામે આવ્યો છે. દર્દીના પરિવારજનો તરફથી ડૉક્ટર પર હુમલો કરવાના બનાવો અવારનવાર સામે આવતા રહે છે. આ બનાવ પણ કંઈક આવો જ છે. સામાન્ય રીતે યોગ્ય સારવાર ન મળવાના કેસમાં કે પછી દર્દીનાં મોત પછી હુમલા કરવાના બનાવ બનતા હોય છે. જાેકે, અહીં સારવાર બાદ જ્યારે ડૉક્ટરે પોતાની ફી માંગે ત્યારે તેમના પર હુમલો કરી દેવામાં આવ્યો હતો.
અહીં કોઈ છરી, ડંડા કે અન્ય વસ્તુથી હુમલો કરવામાં આવ્યો ન હતો. દર્દીની સાથે આવેલા વ્યક્તિએ પોતાના દાંતથી ડૉક્ટરની આંગળી કાપી નાખી હતી! ક્લિનિકની અંદર બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. આ બનાવ છિંદવાડાના કુંડીપુરા પોલીસ મથક વિસ્તારનો છે. અહીં શનિચરા બજારમાં એસ.કે. બિન્દ્રાનું દવાખાનું આવેલું છે.
શનિવારે રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ સારવાર માટે આવ્યો હતો. દર્દીનો હાથ બળી ગયો હતો. તેની સાથે અન્ય બે વ્યક્તિઓ પણ હતા. ડૉક્ટર બિન્દ્રા અને તેમના કર્મચારીઓએ આ વ્યક્તિની સારવાર કરી હતી. સારવાર બાદ ડૉક્ટરે ફીની માંગણી કરી તો દર્દીએ આપવાનો ઇન્કાર કર્યો હતો.
એટલું જ નહીં, દર્દી અને તેની સાથે રહેલા લોકોએ ક્લિનિકમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન ડૉક્ટરે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો તો દર્દીની સાથે રહેલા વ્યક્તિએ દાંતથી ડૉક્ટરની આંગળી કાપીને અલગ કરી નાખી હતી. આરોપીનું નામ વિજય તિવારી છે. ડૉક્ટરે આ મામલે જણાવ્યું હતું કે, રાત્રે ૧૨ વાગ્યે ત્રણ લોકો સારવાર માટે આવ્યા હતા. જેમાંથી વિજય યુઇકે નામના દર્દીનો હાથ બળી ગયો હતો.
વિજયે દારૂના નશામાં પોતાનો હાથ આગમાં નાખી દીધો હતો. સારવાર બાદ જ્યારે ફી માંગવામાં આવી તો તેમણે ઇન્કાર કરી દીધો હતો. બાદમાં વિજયે પોતાના બંને મિત્રોને બોલાવ્યા હતા. જે બાદમાં તમામે ડૉક્ટરોને ગાળો ભાંડી હતી. હૉસ્પિટલના ફર્નિચરમાં તોડફોડ કરી હતી. જે બાદમાં વિજય તિવારી નામની વ્યક્તિએ જમણા હાથની આંગળી દાંત વચ્ચે દબાવી દીધી હતી અને ૧૦-૧૫ સેકન્ડમાં અલગ કરી નાખી હતી. આ બનાવ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.