Western Times News

Gujarati News

ડૉક્ટર પોતાની હોસ્પિટલમાં સારવાર કરાવે તો પણ મેડિક્લેમનો હકદાર

વડોદરામાં કન્ઝ્‌યુમર ફોરમ દ્વારા સીમાચિહ્નરૂપ ચુકાદો

વડોદરા, જાે કોઈ ડૉક્ટર તેની પોતાની હોસ્પિટલમાં સારવાર કરાવે તો પણ તે મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેઈમ માટે હકદાર છે. વડોદરામાં કન્ઝ્‌યુમર ફોરમ દ્વારા બુધવારે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો હતો. ગ્રાહક સુરક્ષા કોર્ટ ડૉ. ઈન્દ્રવદન શાહના કેસની સુનાવણી કરી રહી હતી જેમણે જૂન ૨૦૨૧માં નિવા બુપા ઈન્સ્યોરન્સ સામે ફરિયાદ દાખલ કરી હતી જ્યારે કંપની દ્વારા તેમનો વીમાનો દાવો નકારી કાઢવામાં આવ્યો હતો.

વડોદરા કન્ઝ્‌યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન (એડિ.)ના પ્રમુખ આઈ સી શાહે બુધવારે નિવા બુપા ઈન્સ્યોરન્સ કંપની લિ.ને ડૉ. ઇન્દ્રવદન શાહને ફરિયાદ દાખલ થઈ તે તારીખથી નવ ટકા વ્યાજ સાથે રૂ. ૧. ૬૯ લાખ ચૂકવવા આદેશ આપ્યો હતો. તેમની ફરિયાદમાં ડૉ શાહે જણાવ્યું હતું કે તેમને ૩૧ ઑક્ટોબર, ૨૦૨૦ ના રોજ કોવિડનો ચેપ લાગ્યો હતો અને ૬ નવેમ્બર સુધી પોતાની જ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને કોવિડ -૧૯ માટે તેમના પુત્ર ડૉ. મોસમ દ્વારા સારવાર કરવામાં આવી રહી હતી.

જે બાદ અરજીકર્તા ડોક્ટરે પાછળથી નિવા બુપા પાસેથી રૂ. ૮૪,૦૫૫ના મેડિકલ ખર્ચ માટે રિઇમ્બર્સમેન્ટનો દાવો કર્યો, પરંતુ વીમા કંપનીએ તેમનો દાવો નકારી કાઢ્યો. કંપનીએ કહ્યું કે શાહની સારવાર તેમની જ હોસ્પિટલમાં અને તેમના પરિવારના સભ્ય દ્વારા કરવામાં આવી હતી અને તેથી તેમનો દાવો સ્વીકારી શકાય નહીં.
પોતાની જ હોસ્પિટલમાં પાંચ દિવસ માટે દાખલ કરવામાં આવ્યા અને ડૉ. મોસમની સારવાર હેઠળ હતા.

જ્યારે શાહે ફરીથી સારવાર માટે રૂ. ૬૧,૭૭૭ ની વીમા રકમનો દાવો કર્યો, ત્યારે પણ નિવા બુપાએ તે જ કારણસર ફરીથી તેને નકારી કાઢ્યો. જે બાદ ડૉ. શાહે ગ્રાહક ફોરમનો સંપર્ક કર્યો હતો. કોર્ટે પોલિસીના દસ્તાવેજાેની તપાસ કરી અને કહ્યું કે તેમાં એવી કોઈ કલમ નથી કે જે કહે છે કે વીમાધારક વ્યક્તિ પોતાના સંબંધીઓ દ્વારા સારવાર ન કરાવી શકે.

તેમજ ફરિયાદીએ ફોરમ સમક્ષ દલિલ રજૂ કરી હતી કે એ નોંધવું યોગ્ય છે કે વીમા કંપનીએ ફરિયાદી દ્વારા લેવામાં આવેલી સારવારના સંદર્ભમાં કોઈ વાંધો ઉઠાવ્યો નથી અને સારવાર ખર્ચમાં પણ કોઈ છેતરપિંડી થઈ હોવાનું કંપનીને લાગ્યું નથી કે કોઈ ખોટા બિલ્સ ઉભા કરવામાં આવ્યા હોય તેવું પણ નથી.

ડૉ. શાહે દલીલ કરી હતી કે વીમા પેઢી પાસે તેમના દ્વારા છેતરપિંડી અને ગેરરીતિ આચરી હોય તેવા કોઈ પુરાવા નથી. ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ (વ્યવસાયિક આચાર, શિષ્ટાચાર અને નૈતિકતા) નિયમન, ૨૦૦૨ નો ઉલ્લેખ કરીને, ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે દરેક ચિકિત્સકે માનવતા માટે સેવાઓ પ્રદાન કરવાના મુખ્ય ઉદ્દેશ્યો સાથે તેમના વ્યવસાયની ગરિમા અને સન્માનને જાળવી રાખવું જાેઈએ. તેમના પુત્રએ શા માટે ડૉ. શાહની સારવાર કરી એ બાબતે દલિલ આપતા એક ડૉક્ટર કોઈપણ દર્દીને સારવાર આપવાનો ઇનકાર કરી શકે નહીં, ભલે તે કરારની કલમ-૨૩ ની જાેગવાઈની વિરુદ્ધ હોય તેવી શરતો અથવા કલમો પોલિસીમાં સામેલ હોય.

ફરિયાદીએ એમ પણ જણાવ્યું હતું કે, મહામારી દરમિયાન સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જગ્યા ઉપલબ્ધ ન હોવાથી તેણે પોતાની હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
કોર્ટે અવલોકન કર્યું હતું કે વીમા કંપની વીમાધારકને તેની પોતાની હોસ્પિટલમાં અથવા તેના નજીકના સંબંધીઓ પાસેથી વળતરના કરારની શરતો વિરુદ્ધ સારવાર ન લેવાની ફરજ પાડી શકે નહીં.

જ્યારે વીમાધારકનો પુત્ર રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર હોય, ત્યારે વીમા કંપનીને વીમાધારકના દાવાને નકારી કાઢવાનો કોઈ અધિકાર નથી કે વીમેદારે તેના પોતાના પુત્ર પાસેથી સારવાર લીધી હતી, કોર્ટે કંપનીને વીમાની રકમ સાથે ફરિયાદીને થયેલા કાયદાકીય ખર્ચ પેટે ૫,૦૦૦ રૂપિયા અને માનસિક યાતના પેટે અલગથી રુ. ૫૦૦૦ ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.