ડૉલર સામે રૂપિયો નવ પૈસા ઘટ્યો પાંચ સત્રમાં રૂપિયામાં ૫૯ પૈસાનું ધોવાણ
મુંબઈ, વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈ છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ તેમ જ વિદેશી ફંડોનો બાહ્યપ્રવાહ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત પાંચમાં સત્રમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહેતાં વધુ નવ પૈસાનો ઘટાડો આવ્યો હતો. નોંધનીય બાબત એ છે કે છેલ્લા પાંચ સત્રમાં ડૉલર સામે રૂપિયામાં ૫૯ પૈસાનું ધોવાણ થઈ ગયું છે.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૪.૧૪ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૭૪.૨૮ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૪.૩૬ અને ઉપરમાં ૭૪.૧૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી નવ પૈસા ઘટીને ૭૪.૨૩ના મથાળે બંધ રહ્યો હતો.
માસાન્તના આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં વેપારીઓએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ડૉલર સામે રૂપિયામાં ધોવાણ જળવાઈ રહ્યું હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝના વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી સાધારણ ૦.૦૫ ટકા ઘટીને ૯૪.૨૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૮૯૬.૦૨ કરોડની વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હોવા ઉપરાંત આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૨૮૬.૯૧ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૯૩.૧૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી આજે રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.HS