ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીના જન્મદિન નિમિત્તે પરિસંવાદ યોજાયો
ડૉ. શ્યામાપ્રસાદે રાષ્ટ્રપ્રેમ અને એકતા માટે આપેલું બલિદાન સદૈવ યાદ રહેશે – રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી
સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૧૯મી જન્મતિથીએ આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીએ ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીને સદ્દગતની છબીને પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે ભારતમાતાના ચરણોમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર આ મહાનતમ વ્યક્તિનું જીવન અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે.
તેમણે દેશસેવા, રાષ્ટ્રપ્રેમ અને દેશની એકતા અને અખંડિતતા માટે કરેલું સમર્પણ અને બલિદાન આજીવન યાદ રહેશે. રાજ્યપાલશ્રીએ ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીને ભાવાંજલિ આપતાં કહ્યું કે, કાશ્મીર ભારતનું અવિભાજય અંગ છે અને તેમના સપના પ્રમાણે ૩૭૦મી કલમ દૂર થાય તેવી દેશની જનતાની ભાવના સાકાર થાય એ દિવસો હવે દૂર નથી.
તેમણે જમ્મુ કાશ્મીર માટે સંઘર્ષરત રહેલા સ્વ. મુખરજીની વંદના કરતા એક ભારત શ્રેષ્ઠ ભારત બને તેવી સંકલ્પના પણ વ્યકત કરી હતી. રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ સ્વ. શ્યામાપ્રસાદજીને આ જ સાચી શ્રધ્ધાંજલિ હોઇ શકે. યુનિ.ગ્રંથનિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ શ્રીમતિ ભાવનાબેન દવેએ ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીને ભાવાંજલિ અર્પણ કરીને આઝાદી બાદની ભારતની સ્થિતિ અને ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી એ કરેલ કામગીરીની વિગત આપી હતી. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો હિમાંશુભાઈ પંડ્યા, ઉપકુલપતિ ડૉ.જગદીશભાઈ ભાવસાર, ગુજ.યુનિ.ના રજીસ્ટ્રાર ડો. પિયુષભાઈ પટેલ અને નાગરિકોએ દેશ માટે જીવન સમર્પણ કરનાર સ્વ. મુખરજીને આદરાંજલિ પાઠવી હતી.