ડૉ. હર્ષવર્ધને કોવિડ-19 પર લીધેલા પગલાં સાથે સંબંધમાં રાજ્ય સરકારો સાથે વીડિયો કોન્ફન્સની અધ્યક્ષતા કરી
રાજ્યોને કોવિડ-19 સામે લડાઈમાં ભારતનાં લોકોને એકમંચ પર લાવવા મોબાઇલ આરોગ્ય સેતુને ડાઉનલોડ કરવા પ્રોત્સાહન આપવા અપીલ કરી- હું નિયંત્રણ હેઠળ સ્થિતિ જાળવવા તમારા સમર્પણ બદલ અભિનંદન આપું છું: ડૉ. હર્ષવર્ધન
નવી દિલ્હી, ડૉ. હર્ષવર્ધને આજે રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબેની હાજરીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, મુખ્ય સચિવો/આરોગ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ (વીસી) દ્વારા કોવિડ-19 મહામારીની અસર ઓછામાં ઓછી કરવાની કામગીરી અને તૈયારીની સમીક્ષા કરવા બેઠક યોજી હતી. આ બેઠકમાં હર્ષવર્ધને કહ્યું હતું કે, “હું તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, મુખ્ય સચિવો/આરોગ્ય સચિવોને કોવિડ-19 સામે આપણા સંઘર્ષમાં સ્થિતિને નિયંત્રણ હેઠળ જાળવવા અને એનું વ્યવસ્થાપન કરવા બદલ અભિનંદન આપું છું.”
આ વીડિયો કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કેરળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, પંજાબ, બિહાર, તેલંગાણા, હરિયાણા, ઓડિશા, અસમ, ચંદીગઢ, ઝારખંડ, આંદમાન અને નિકોબાર, છત્તિસગઢ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, નાગાલેન્ડ, તમિલનાડુ, મેઘાલય તથા દાદર અને નગરહવેલીના પ્રતિનિધિઓ જોડાયા હતા.
ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “મહામારી સામેની લડાઈને હવે ત્રણ મહિનાથી વધારે સમય થયો છે તથા રાજ્યો સાથે જોડાણમાં સર્વોચ્ચ સ્તરેથી દેશમાં કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન પર નજર રાખવામાં આવી રહી છે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેટલાંક તકેદારીનાં, સક્રિય અને અસરકારક પગલાં લેવામાં આવ્યાં છે. આ સમયસરના પગલાથી આપણને સ્થિતિને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી છે તથા આપણે કોઈ પણ કટોકટીનો સામનો કરવા સજ્જ છીએ.”
રોગના પ્રસારની સાંકળ તોડવા આગામી થોડા અઠવાડિયાઓનાં અતિ મહત્ત્વ પર ધ્યાન દોરીને ડૉ. હર્ષવર્ધને તમામને સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવા અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અપીલ કરી હતી, જે કોવિડ-19 સામે સહિયારી અને અડગ લડાઈમાં મદદરૂપ થશે.
તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારોએ ધ્યાન રાખવાની જરૂર છે કે, ગર્ભવતી મહિલાઓ, ડાયાલીસિસની સારવાર મેળવતા દર્દીઓ અને થેલેસેમિયા જેવી બિમારીઓથી પીડિત દર્દીઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવે. તેમણે રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોની સ્વૈચ્છિક રક્તદાનની પહેલોને પ્રોત્સાહન આપવાની અને કોઈ પણ સમયે લોહીના પર્યાપ્ત પુરવઠા માટે સલામતી રીતે રક્તદાન કરવા માટે સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવા અને મોબાઇલ યુનિટની વ્યવસ્થા કરવાની પ્રશંસા કરી હતી.
ડૉ. હર્ષવર્ધને દેશમાં સમર્પિત (ડેડિકેટેડ) કોવિડ-19 હોસ્પિટલની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “દેશનાં દરેક જિલ્લામાં સમર્પિત કોવિડ-19 હોસ્પિટલો સ્થાપિત કરવાની જરૂર છે અને શક્ય તેટલી વહેલી તકે નોટિફાઈ કરવાની જરૂર છે, જેથી લોકોને એના વિશે જાણકારી મળે.”
ડૉ. હર્ષવર્ધને દરેક રાજ્યમાં પીપીઇ, એન95 માસ્ક, ટેસ્ટિંગ કિટ, દવાઓ અને વેન્ટિલેટર્સની જરૂરિયાતો અને પર્યાપ્તતાની સમીક્ષા કરી હતી તથા ખાતરી આપી હતી કે, ભારત સરકારે આ મહત્ત્વપૂર્ણ ચીજવસ્તુઓના પુરવઠાની કોઈ ખેંચ ઊભી ન થાય એ સુનિશ્ચિત કરવા શક્ય શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે, વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે ઓર્ડર્સ આપી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યોએ જણાવેલી જરૂરિયાતો સામે આંશિક જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, પીપીઈની કઈ કેટેગરીનો ઉપયોગ કઈ કેટેગરીના હેલ્થ વર્કર્સ/વ્યાવસાયિકોએ કરવાની જરૂર છે એ માટે વિગતવાર માર્ગદર્શિકા મંત્રાલયની વેબસાઇટ (www.mohfw.gov.in) પર ઉપલબ્ધ છે તથા રાજ્યોને તેમના તાર્કિક ઉપયોગ વિશે પણ જાગૃતિ લાવવાની જરૂર છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ફેસ કવર માટે માર્ગદર્શિકા પણ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને સમુદાયોમાં એનો અસરકારક રીતે ઉપયોગ થઈ શકશે. ઉપરાંત જ્યારે તેમણે રાજ્યોના વિવિધ પ્રયાસોની પ્રશંસા કરી હતી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તેઓ એકબીજાની શ્રેષ્ઠ પદ્ધતિઓનું અનુકરણ કરી શકે છે.
તેમણે તમામને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની અને એનો ઉપયોગ કરવાની વિનંતી પણ કરી હતી, કારણ કે એથી લોકો કોરોના વાયરસ ઇન્ફેક્શનના તેમના જોખમનું આકલન કરવા સક્ષમ બનશે. તેમણે કહ્યું હતું કે, એકવાર સ્માર્ટફોનમાં ડાઉનલોડ થયા પછી એપ અત્યાધુનિક માપદંડોને આધારે ઇન્ફેક્શનનાં જોખમનો તાગ મેળવી શકે છે.”
આ સમીક્ષા બેઠક દરમિયાન શ્રીમતી પ્રીતિ સુદાન, સચિવ (એચએફડબલ્યુ), શ્રી સંજીવ કુમાર, વિશેષ સચિવ અને આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, આઇસીએમઆરના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા.