“ડૉ. હેડગેવાર ભવન” ખાતે સ્વાતંત્ર્ય દિને ધ્વજવંદન કાર્યક્રમ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા કાંકરીયા(કર્ણાવતી) સ્થિત “ડૉ. હેડગેવાર ભવન” ખાતેના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત કાર્યાલયે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના આજના ૭૫મા સ્વાતંત્ર્ય-દિને પ્રાતઃકાળે ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન થયો.
આજના આ કાર્યક્રમમાં દેવીપૂજક સમાજના શ્રી મોનાલીસાબેનના વરદ્ હસ્તે ત્રિરંગો ધ્વજ ફરકાવવામાં આવ્યો. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ, પૂર્વ કર્ણાવતી વિભાગના મા. સંઘચાલક શ્રી ભરતભાઈ શાહ, તેમજ ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
ઉપસ્થિત સૌ દ્વારા ભારતમાતા-પૂજન થકી રાષ્ટ્રભાવના સભર ભારતભક્તિમય વાતાવરણમાં આ કાર્યક્રમનું શુભ સમાપન થયું.અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં શરૂઆતના દિવસોમાં “ડૉ. હેડગેવાર ભવન” ખાતે કામ કર્યુ હતું.
1974માં વકીલ સાહેબે (લક્ષ્મણરાવ ઇનામદાર) નરેન્દ્ર મોદીને આરએસએસના અમદાવાદ સ્થિત કાર્યાલય હેડગેવાર ભવન બોલાવી લીધા હતા. જ્યાં તેઓ સ્વયં સેવકો માટે ચા-નાસ્તો બનાવવાની સાથે 8-9 ઓરડામાં ઝાડું પોતા લગાવતા અને તેની સાથે સાથે વકીલ સાહેબનું કામ પણ કરતા હતા.
વર્ષ 1958માં ગુજરાતના વડનગરમાં કેટલાક બાળ સ્વયંસેવકોને સંઘમાં સામેલ કરવામાં આવ્યા હતા. સંઘમાં સામેલ થયેલા આ સ્વયં સેવકોમાં એક નામ નરેન્દ્ર મોદી હતું. તેઓ ત્યારે આઠ વર્ષના હતા.