Western Times News

Gujarati News

ડોક્ટરની કાર નીચે ૩ વર્ષનું બાળક કચડાઈ જતાં મોત

નવસારી: રાજ્યમાં કોરોના મહામારી બાદ લોકડાઉનના કારણે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ જેમ છૂટછાટ મળતી ગઈ તેમ ફરી રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આજે નવસારીમાં એક એવી અકસ્માતની ઘટના સામે આવી છે કે, જે જાેતા ભલ ભલા કઠણ કાળજાના વ્યક્તિના પણ રૂવાંટા ઉભા થઈ જાય.

નવસારીમાં એક ડોક્ટરે કાર નીચે માસુમ બાળકને કચડી નાખતા બાળકનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી શહેરમાં આવેલા વિરભદ્ર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં જવાના ઢાળ પર રમી રહેલું ત્રણ વર્ષનું બાળક કાર નીચે કચડાઈ જતા કરૂણ મોત નિપજ્યું છે.

આ ઘટનાની બાળકના માતા-પિતાને જાણ થતા તેમના હૈયાફાટ રૂદનથી ગમગીન માહોલ છવાઈ ગયો હતો. વિગતે ઘટનાની વાત કરીએ તો, નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા વિરભદ્ર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં જવાના ઢાળ પર એક ત્રણ વર્ષનું બાળક રમતા રમતા પહોંચી ગયું હતું.

આ સમય ડોક્ટર પ્રીતેશ બચુભાઈ પટેલ પોતાની કાર લઈ બહારથી આવે છે, અને ઢાળમાં જેવી કાર જાય છે, ત્યાં બાળક તેમની કાર નીચે કચડાઈ જતા બાળકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે.

આ અકસ્માતની ઘટનામાં બાળક બેઝમેન્ટમાં જઈ રહ્યું છે તેવા અને ડોક્ટરની ગાડી બહારથી આવી રહી છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી ગઈ હતી, સીસીટીવી જાેતા સ્પષ્ટ દેખાય છે કે, એપાર્ટમેન્ટમાં જ કડીયા કામ કરી રહેલો મજૂર પરિવાર પોતાના કામમાં વ્યસ્ત હતો ત્યારે બાળક રમતા રમતા એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પહોંચી ગયું હતું, અને ત્યારબાદ બહારથી એક કાર આવે છે, જે બેઝમેન્ટમાં જાય છે,

બાળકના રડવાનો અવાજ સાંભળી પહેલા માતા દોડે છે અને ત્યારબાદ માતા પોક મુકી બાળકને ઉઠાવી દોડે છે અને હૈયાફાટ રૂદન સાથે બાળકને ખોળામાં લઈ બેસી જાય છે. આ અકસ્માત સર્જાયો જેમાં મજૂર દંપતિએ પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ ઘટના બાદ અકસ્માત સર્જનાર ડોક્ટર પ્રિતેશ બચુભાઈ પટેલ ટાઉન પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે મામલે તેમની પુછપરછ હાથ ધરી અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.