ડોક્ટરે પત્નીને કહ્યું તું જતી રહે, છોકરા પ્રેમિકા સાચવશે
મોટા ખોરડાને લજવતો પતિ-પત્ની ઔર વોનો કિસ્સો-અમદાવાદ શહેરમાં પરસ્ત્રી સાથેના સબંધમાં પત્નીને દગો આપનારા પતિ, સાસુ-સસરા અને પ્રેમિકા સામે ફરિયાદ
અમદાવાદ, એક પરિણિત ડૉક્ટર પોતાની સાથે ફરજ બજાવતી પરિણિત ડૉક્ટર મહિલાના પ્રેમમાં પડતાં એક સાથે બે કુટુંબોમાં તીરાડ પડી છે. નવાઈની વાત એ છે કે, બંને પ્રેમીપંખીડાના પતિ અને પત્ની તેમના લફરાંથી વાકેફ છે, અને તેમને એકબીજાને ભૂલી જવા પણ સમજાવી રહ્યા છે, પરંતુ પ્રેમી કે પ્રેમિકા બંનેમાંથી એકેય એકબીજાને છોડવા તૈયાર નથી. તેમાંય પ્રેમી ડૉક્ટર તો બે છોકરાના બાપ છે, અને તેમની પત્ની પણ અમદાવાદની જ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે.
પતિ, પત્ની ઔર વોનો આ મામલો હવે મહિલા પોલીસ સ્ટેશન (પશ્ચિમ )માં પણ પહોંચ્યો છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ તરીકે કાર્યરત ડૉ. હરેશ (નામ બદલ્યું છે)ના લવમેરેજ ૨૦૦૪માં તેની સાથે જ મેડિકલનો અભ્યાસ કરતી ડૉ. રિચા (નામ બદલ્યું છે) સાથે થયા હતા. બંને પરિવારોએ પણ તેમની વચ્ચેના સંબંધોને સહમતી આપી હતી. ૨૦૦૬માં રિચા અને હરેશ રેસીડેન્સશીપ માટે મુંબઈ પણ સાથે જ ગયા હતા.
૨૦૦૮માં અમદાવાદ આવ્યા બાદ હરેશ અને રિચાએ અલગ-અલગ પ્રાઈવેટ હોસ્પિટલમાં જાેબ શરુ કરી હતી. લગ્નના ચાર વર્ષ બાદ વર્ષ ૨૦૧૦માં રિચાએ એક દીકરાને જન્મ આપ્યો હતો. ૨૦૧૭માં રિચા ફરી પ્રેગનેન્ટ થઈ હતી, અને તેણે બીજા દીકરાને જન્મ આપ્યો હતો. આ દરમિયાન બહારગામ રહેતા તેના સાસુ-સસરા પણ વારે-તહેવારે તેમના ઘરે આવતા રહેતા હતા.
રિચાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ૨૦૧૭માં બીજા દીકરાના જન્મ બાદ હરેશનું વર્તન અચાનક બદલાવવા લાગ્યું હતું. તે બાળકોને પણ યોગ્ય રીતે બોલાવતો નહોતો. આખરે ૨૦૧૯માં એક દિવસ હરેશે ધડાકો કર્યો હતો કે તેને પોતાની સાથે જ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતી નીલમ (નામ બદલ્યું છે) સાથે પ્રેમ થઈ ગયો છે. લગ્નના ૧૫ વર્ષ બાદ પતિએ પોતાને બીજી કોઈ સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો હોવાની વાત કરતાં જ નીલમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
એક તરફ, રિચા લગ્ન કરીને આવી ત્યારથી જ સાસુ-સસરા તેને દહેજ માટે ત્રાસ આપતા હતા, પતિ પણ સારી રીતે નહોતો રાખતો. જાેકે, પોતાનો સંસાર બચાવવા માટે તે બધું ચૂપચાપ સહન કરતી હતી. તેવામાં પતિએ પોતાને બીજી સ્ત્રી પસંદ છે તેવું કહેતા તેને પોતે ક્યાંયની ના રહી હોવાની લાગણી થઈ હતી. આટલું ઓછું હોય તેમ પતિ રિચાને ત્યાં સુધી કહેતો હતો કે તારે જવું હોય તો તું જતી રહે, છોકરાની ચિંતા ના કરતી. મારી પ્રેમિકા તેમને રાખી લેશે.
રિચાના પિતાને આ અંગે જાણ થતાં તેમણે પણ જમાઈને સમજાવીને દીકરીનો સંસાર બચાવવા માટે પ્રયાસ કર્યા હતા. હરેશ જે યુવતી સાથે પ્રેમમાં હતો, તેનો પતિ પણ આ સંબંધોથી વાકેફ હતો. તે પણ પોતાનો સંસાર બચાવવા માટે પોતાની પત્ની સાથે હરેશને સમજાવવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. આખરે, સાસુ-સસરા અને પ્રેમિકા નીલમના પતિની સમજાવટ બાદ હરેશ રિચા અને બે બાળકો સાથે ૨૦૧૯માં બીજા શહેરમાં શિફ્ટ થવા માટે તૈયાર થઈ ગયો હતો. પરંતુ મહિનામાં જ તેણે ફરી પોતાનું પોત પ્રકાશ્યું હતું, અને પત્ની તેમજ બાળકોને મૂકી ફરી અમદાવાદ આવી ગયો હતો.
ફરિયાદ અનુસાર, ફરી અમદાવાદ આવેલા હરેશે રિચાના ફોન રિસીવ કરવાનું પણ બંધ કરી દીધું હતું, અને બાળકોને મળવા પણ તે ભાગ્યે જ જતો. આખરે કંટાળીને રિચા પણ ૨૦૧૯ના અંત સુધીમાં અમદાવાદ આવી ગઈ હતી. હરેશે ભાડજમાં એક મકાન ભાડે રાખી રિચા અને બે બાળકોને ત્યાં રાખ્યા હતા.
જાેકે, તેમને મળવા તે દિવસમાં માંડ થોડા કલાકો જ આવતો. રિચાની ના છતાં હરેશ નીલમ સાથે જ રહેતો હતો. બીજી તરફ, નીલમના પતિએ પણ રિચાનો સંપર્ક કર્યો હતો અને તેણે નીલમ અને હરેશના રેકોર્ડિંગ પણ બતાવ્યા હતા. રિચાએ આ વાત કરતાં તેના પતિએ તેની સાથે ઝઘડો કરીને પોતે પ્રેમિકા સાથે જ રહેશે તેવું કહી દીધું હતું.
આ દરમિયાન હરેશે રિચા સાથેના પોતાના જાેઈન્ટ અકાઉન્ટમાંથી રિચાની જાણ બહાર રુપિયા ઉપાડ્યા હોવાનું પણ બહાર આવતા રિચાએ તેની વિરુદ્ધ વિશ્વાસઘાત, દહેજ માગવા ઉપરાંત શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે પતિ ઉપરાંત, તેની પ્રેમિકા અને માતા-પિતાને આરોપી તરીકે દર્શાવ્યા છે.