Western Times News

Gujarati News

ડોક્ટરોની અભૂતપૂર્વ કાળજીના લીધે હું અને મારી પોણા બે વર્ષની દીકરી કોરોનામુક્ત બન્યા

કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયેલા દર્દીએ બૉડેલીના માન્યો નર્સિંગ સ્ટાફ, મેડિકલ સ્ટાફ અને રાજય સરકારનો આભાર

ગાંધીનગર,         પહેલા મારી દિકરી અને પછી મારો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા અમને વડોદરાની ગોત્રી હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગોત્રી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, ડૉકટરોએ અમારી ખૂબ કાળજી લીધી જેના કારણે હું અને મારી બાળકી કોરોના મુકત બની પરત ઘરે આવી શકયા છીએ એમ જુના બજાર બૉડેલી ખાતે રહેતા અફીફાબેન અહમદુલ્લા ખત્રીએ જણાવ્યું હતું.

ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેમને થયેલા અનુભવો વિશે જણાવતા અફીફાબેને જણાવ્યું હતું કે, તા. ૫મી, માર્ચના રોજ મારા સસરાનો રિપોર્ટ પોઝીટીવ આવતા અમને ફેસીલિટી ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. બે દિવસ બાદ અમારા સેમ્પલ લઇ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હતો. જેમાં મારી દિકરી આયેશા અહમદુલ્લા ખત્રી કે જેની ઉંમર એક વર્ષ આઠ મહિના છે તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને બાકીના બધાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. મારી બાળકીને પણ ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જયાં મારા સસરા સાથે મારી દિકરીને પણ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવી હતી. સાત દિવસ બાદ મારો રિપોર્ટ પણ પોઝીટીવ આવતા મને પણ ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા નર્સીંગ સ્ટાફ, ડૉકટર્સનો વ્યવહાર ખૂબ સારો હતો. અમને સમયે સમયે નિયમિત દવા આપવામાં આવતી હતી. તેમજ સમયે સમયે અમારી તબિયતની પણ પૃચ્છા કરવામાં આવતી હતી. અહીં રહેવા, જમવા અને પાણી સહિતની સુવિધાઓ પણ સારી મળી હતી એમ તેમણે ઉમેર્યું હતું.

તેમની દિકરીની સારવાર અંગે વાત કરતા તેઓ કહે છે કે, પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો કોરોના વાયરસથી સાજા થઇ શકતા નથી એવી મારા મનમાં ગેરસમજ થઇ હતી. ગોત્રી હોસ્પિટલના બાળચિકિત્સક ડૉકટરે મારી દિકરીની ખૂબ કાળજી લીધી હતી. મારી દિકરીને સમયે સમયે આવી તપાસી જતા હતા તેમજ અમને પણ ખૂબ સારૂં માર્ગદર્શન આપી આશ્વાસન આપતા હતા. ડૉકટરો અને નર્સિંગ સ્ટાફે લીધેલી કાળજીને કારણે અમે કોરોના મુકત બની શક્યા છે એમ જણાવી તેમણે ડૉકટરો, નર્સિંગ સ્ટાફ સહિત રાજયના મુખ્યમંત્રીનો તેમણે આભાર વ્યકત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.