ડોક્ટર્સ અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરનારને વધુમાં વધુ ૭ વર્ષ સુધીની સજા થઈ શકે છે
નવી દિલ્હી, પેન્ડેમિક બિલ ૨૦૨૦(રોગચાળો બિલ ૨૦૨૦) શનિવારે રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સંસદમાં બિલ રજૂ કર્યુ હતું. આ બિલમાં રોગચાળા દરમિયાન ડોક્ટર્સ, નર્સ, આશા કાર્યકર્તાઓની સુરક્ષા, જ્યારે હુમલો કરનાર માટે સજાની જોગવાઈ છે.
૧૨૩ વર્ષ જૂના કાયદામાં કેન્દ્ર સરકારે ફેરફાર કરાયો છે. જેના હેઠળ ડોક્ટર્સ અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરનારને વધુમાં વધુ ૭ વર્ષ સુધીની સજા થઈ શકે છે. હુમલો કરનાર પર ૫૦ હજારથી ૨ લાખના દંડની જોગવાઈ છે. આ ઉપરાંત ૩ મહિનાથી ૫ વર્ષની સજા પણ થઈ શકે છે.
જ્યારે ગંભીર ઈજાના મામલામાં વધુમાં વધુ ૭ વર્ષની સજા થઈ શકે છે. આ બિમજામીન ગુનો હશે. આ દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલે લોકસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન દોડાવાયેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં ૯૭ પ્રવાસી મજૂરોનું સફર દરમિયાન મોત થયું હતું.
આ આંકડા રાજ્ય સરકાર તરફથી મળ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૫૩.૧૨લાખ કેસ આવી ચુક્યા છે. જેમાંથી ૪૨ લાખ ૫ હજાર ૨૦૧ લોકો સાજા થઈ ગયા છે. ૧૦ લાખ ૧૫ હજાર ૯૮૧ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે કુલ ૮૫ હજાર ૬૨૫ લોકોના મોત થયા છે.
દેશમાં શુક્રવારે ૯૨,૯૬૯ કોરોના સંક્રમિત મળ્યા હતા. જો કે, રાહતની વાત તો એ છે કે ૯૫ હજાર ૫૧૨ સાજા પણ થયા છે. આ મહામારીને દેશમાં આવ્યાને ૨૩૨ દિવસ થઈ ચુક્યા છે.
ત્યારથી અત્યાર સુધી આવું છ વખત જ થયું છે, જ્યારે એક દિવસમાં જેટલા સંક્રમિત મળ્યા હોય એના કરતા વધારે સાજા થયા છે. સૌથી પહેલા આવું ૧૪ ફેબ્રુઆરીએ થયું હતું, જ્યારે કેરળમાં ત્રણ સંક્રમિત સાજા થયા હતા, પરંતુ એ દિવસે નવો કેસ નહોતો આવ્યો.