Western Times News

Gujarati News

ડોક અને ગરદનની ત્વચાને સ્વચ્છ અને મુલાયમ બનાવવા માટે બોડી સ્ક્રબનો ઉપયોગ કરવો જાેઇએ

મોટા ભાગની માનુનીઓ માત્ર ચહેરો, હાથ કે પગની સુંદરતાના જ ઉપાયો કરતી હોય છે. ચહેરા પર ફેસિયલ, બ્લીચીંગ કે હાથ-પગ માટે મેનીક્યોર કરાવનારી કામિની ગરદન, કોણી, ઘુંટણ કે કાન જેવા અંગો પ્રત્યે દુર્લભ સેવે છે. પરંતુ કાનમાં પહેરેલી સુંદર બુટ્ટીને નજીકથી જાેનારને કાનની અંદર રહેલો મેલ પણ દેખાય ત્યારે બુટ્ટીની સુંદરતા ઝાંખી પડી જાય છે.

તે જ રીતે સુંદર પાયલ દર્શાવતી વખતે કાળી ઘુંટી કે ફાટેલી એડી કુરૂપ દેખાય તે વાત ન વિસરવી જાેઇએ. ડિઝાઇનર ગળાના બ્લાઉઝમાં ખુલ્લી દેખાતી પીઠ ગરદન પર મેલના થર હોય તે શરમજનક ગણાય છે.

આજે આપણે આવા જ કેટલાક ઉપેક્ષિત અંગો અને તેની સંભાળની માહિતી મેળવીએ.

કાન: આપણે કોઇની સાથે વાત કરતા હોઇએ ત્યારે અજાણતાં જ આપણી નજર સામેની વ્યક્તિના ચહેરા પર ફરતી હોય છે. તેના આંખ, નાક પર નજર ફેરવ્યા બાદ આપણું ધ્યાન કાન પર જાય છે. ત્યારે કાનમાંથી ડોકાતો મેલ વ્યક્તિની શારીરિક અસ્વચ્છતાની ચાડી ખાય છે.

પ્રત્યેક વ્યક્તિના કાનમાં મેલ જમા થાય છે અને તે કુદરતી પ્રક્રિયા છે. મેલના કારણે ધુળ કે કચરાથી કાનની રક્ષા થાય છે. પરંતુ વધુ પડતો કચરો, ખોડો કે શુષ્કત્વચા કાનમાંથી ડોકિયા કરે તો તે શરમજનક ગણાય છે.

કાનની પાછળ રહેલી તૈલી ગ્રંથિને કારણે પણ કાનની અંદરની ત્વચા ચીકણી રહે છે અને તેના પર મેલ જામે છે.
દરરોજ નહાતી વખતે કાન સાફ કરવો જાેઇએ. કાનના બાહ્ય ભાગને ટિશ્યુ પેપર કે નેપકીનથી લૂછવો જરૂરી છે. સામાન્ય રીતે કાનની સ્વયં સંચાલિત પ્રક્રિયાને કારણે મેલ દૂર થઇ જાય છે. તેમ છતાં જાે ખોડો કે મૃતકોષોની તકલીફ હોય અને તે કારણે મેલ જમા થાય તો ઇઅર બડ્‌ઝથી કાન સાફ કરવા. કાનમાં કોઇ તીક્ષ્ણ વસ્તુ નાંખવી નહીં.

ગરદન: ચહેરાની સૂર્યપ્રકાશી રક્ષા કરવા માટે આપણે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરીએ છીએ પરંતુ ચહેરાની જેમ ગરદન પણ તડકામાં ઉઘાડી જ હોય છે. તે વાત વિસરી જઇએ છીએ. ગરદન પાસે તૈલી ગ્રંથિ હોતી નથી એટલે અહીંની ત્વચા શુષ્ક થવાની તથા ત્યાં કરચલીઓ પડવાની શક્યતા વધી જાય છે. તે જ પ્રમાણે ગરદનના સ્નાયુઓ અસ્થિ માળખા સાથે જાેડાયેલા ન હોવાથી તેને સ્થિતિસ્થાપકતા ઓછી થવાની શક્યતા પણ હોય છે.

ડોક અને ગરદનની ત્વચાને સ્વચ્છ અને મુલાયમ બનાવવા માટે બોડી સ્ક્રબનો ઉપયોગ કરવો જાેઇએ. તે જ પ્રમાણે ઘરેથી નીકળતી વખતે જેમ ચહેરા પર સન બ્લોકર્સ લોશન લગાડો તે જ રીતે ગરદન પર પણ લગાડવું રાતના ગરદનને ક્લિન્સરથી સાફ કરી મોઇશ્ચરાઇઝર લગાડવાનું ચૂકવું નહીં.

ગરદનને સ્વચ્છ કરવા ત્રણ ચમચા દૂધમાં અડધા લીંબુનો રસ નીચોવો. પછી લીબુના છોતરાની અંદરની બાજુ બહાર કાઢી તે દૂધમાં બોળીને ગરદન પર તથા શરીરના કાળા પડી ગયેલા અન્ય અંગો પર ઘસો. ત્યારબાદ નાહી લેવુ. નાહી લીધા બાદ તે જગ્યાએ મોઇશ્ચરાઇઝર લગાડો.

પીઠ:  ‘મર્ડર’ ફિલ્મમાં અભિનેત્રી મલ્લિકા શેરાવતની ગોરી સુંવાણી પીઠ જાેઇને માનુનીઓને પણ ઇર્ષા થઇ હતી. સુંદર પીઠ સેક્સી દેખાય છે તે વાત હંમેશાયાદ રાખો. જાે કે, મહિલાઓની પીઠ પર વસ્ત્રો અને ત્વચા વચ્ચેનું ઘર્ષણ પણ સૌથી વધારે જાેવા મળે છે.

એટલે ત્યાં ઝીણી ઝીણી ફોડલીઓ થવાની શક્યતા પણ રહે છે. પીઠની ત્વચાનું સાૈંદર્ય નીખરે તે માટે ખાંડેલા તલ, ચોખા, લીંબુનો રસ તથા થોડા ટીપા તેલ મિક્સ કરી સપ્તાહમાં એક વખત ઘસો. શરીર પરથી મૃતકોષો દૂર કરવા માટે નિયમિત લૂફા (ડિલ ઘસવા માટે વપરાતો કોળા જેવા ફળનો રેષાવાળો ભાગ) નો ઉપયોગ કરો.

જાે કે, આપણે સ્વયં આપણી પીઠ પર કંઇ જ લગાડી કે ઘસી શકતા નથી. એટલે કોઇની મદદ લેવી જાેઇએ. હવે તો કેટલાક સ્પા અને બ્યુટી પાર્લર ‘બેક ફેસીયલ’ પણ કરી આપે છે. આમ, પીઠને સુંદર બનાવવી તમારા હાથમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.