ડોડીસરાના ખેતરમાંથી ૩૪૭ બોટલ દારૂ સાથે ફિગો અને બોલેરો પીકઅપ ઝડપાયુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/1405-modasa-1-1024x768.jpeg)
(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના માર્ગો પરથી વિવિધ વાહનો મારફતે રાજ્યમાં ઘુસાડાતા વિદેશી દારૂની હેરાફેરી પર અને વેપલા પર રોક લગાવવામાં બંને જીલ્લાની પોલીસે મહદંશે સફળ રહી છે બંને જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પર આવેલ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરો વિદેશી દારૂનો મોટો જથ્થો ઠાલવી દારૂનું કટિંગ કરી રહ્યા છે
વિદેશી દારૂના કટીંગ,હેરાફેરી તેમજ વેપલા માટે પંકાયેલ ડોડીસરા ગામના નામચીન બુટલેગર નિતીન પાઉલ બળેવા અને તેના સાગરીતો ખેતરમાં બનાવેલ છાપરામાં દારૂનું કટીંગ ચાલુ કર્યું હોવાની બાતમીના આધારે ભિલોડા પોલીસ ત્રાટકી વિદેશી દારૂના કટીંગનો પર્દાફાશ કર્યો હતો ભિલોડા પોલીસ ત્રાટકતા બુટલેગરોમાં નાસભાગ મચી હતી
પોલીસે ૧.૧૫ લાખથી વધુના વિદેશી દારૂ સાથે એક બુટલેગરને ઝડપી પાડી ફોર્ડ ફીગો કાર અને પીકઅપ ડાલું કબ્જે કર્યું હતું કુખ્યાત બુટલેગર નિતીન બળેવા અને તેના સાગરીતો ભિલોડા પોલીસને થાપ આપી ફરાર થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
ભિલોડા પીઆઇ મનીષ વસાવાને ડોડીસરા ગામનો કુખ્યાત બુટલેગર નિતીન પાઉલ બળેવા અને લાલજી પુના કળબે ડોડીસરા ગામના ચીમન બાબુ બળેવાના ખેતરમાં બનાવેલા છાપરામાં વિદેશી દારૂનો સંગ્રહ કરી કટીંગ ચાલુ કર્યું હોવાની બાતમી મળતા તાબડતોડ તેમની ટીમ સાથે બાતમી આધારીત ખેતરમાં ત્રાટકતા છાપરામાં દારૂનું કટીંગ કરી રહેલા બુટલેગરોમાં નાસભાગ મચી હતી
પોલીસ છાપરા આગળ ઊભેલ પીકઅપ ડાલું અને ફોર્ડ ફીગો કારમાં ભરેલી વિદેશી દારુની બોટલ નંગ-૩૪૭ કીં.રૂ.૧૧૫૫૧૦ /- નો જથ્થો જપ્ત કરી સ્થળ પરથી રાજસ્થાન ડુંગરપુરના તલૈયાના સુરેશ કાલુરામ રોત નામના બુટલેગરને દબોચી લીધો હતો પોલીસે ફોર્ડ ફિગો કાર,પીકઅપ ડાલું, બે મોબાઇલ અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ.રૂ.૬૬૬૫૧૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ફરાર બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.*