ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતની ગાંધી આશ્રમમાં તડામાર તૈયારીઓ
અમદાવાદ: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમ ખાતે રેંટિયો કાંતશે અને પોતાનો અનુભવ વર્ણવશે. ગાંધી આશ્રમમાં પ્રવેશ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવશે. તો, ગાંધી આશ્રમની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન મોદી સાબરમતી રિવરફ્રન્ટનો નજારો બતાવી આશ્રમની ઐતિહાસિકતા વર્ણવશે. આશ્રમ તરફથી તેઓને ચરખો અને કોફી ટેબલ બુક ભેટ આપવામાં આવશે. જ્યારે મેલેનિયા ટ્રમ્પને ખાદીની શાલ આપવામાં આવશે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની આગામી તા.૨૪ ફેબ્રઆરીની અમદાવાદ મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને મોદી એરપોર્ટથી રોડ શો કરી સીધા ગાંધીઆશ્રમ જવાના છે. જ્યારે પણ વિવિધ દેશના વડા ગુજરાત કે અમદાવાદની મુલાકાતે આવતા હોય છે, ત્યારે ગાંધી આશ્રમ અચૂક આવે હોય છે અને રેંટિયો કાંતે છે. જેને પગલે ગાંધી આશ્રમ અને રાજ્ય સરકાર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના રેટિંયો કાંતવા અંગેની તૈયારીઓ કરી રહ્યા છે.
આશ્રમમાં આવેલા હૃદયકુંજમાં ૭૩ વર્ષીય ટ્રમ્પ નીચે બેસી રેંટિયો કાંતશે કે પછી તેઓ માટે અન્ય કોઈ વ્યવસ્થા કરવી પડશે તેની તૈયારીઓમાં જાતરાયા છે. ગાંધીઆશ્રમ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી અંદાજે ૩૦ મિનિટ રોકાવવાના છે.
મહાનુભાવોની મુલાકાતને લઈ હૃદયકુંજની પાછળ એક સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેજ પર ૧૦ મિનિટ પ્રાર્થના સભા કે અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી અને ટ્રમ્પ આવીને સીધા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવશે. ત્યારબાદ તેઓ હૃદયકુંજ જશે, જ્યાંથી રિવરફ્રન્ટનો નજારો ટ્રમ્પને બતાવશે તેમજ મ્યુઝિયમની પણ મુલાકાત કરશે. ટ્રમ્પ અને પીએમ મોદીની સાબરમતી આશ્રમ મુલાકાત પહેલા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.