ડોનાલ્ડ ટ્રમ્પ ફરી નહીં જીતી શકે :લિચમેનની આગાહી
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના પરિણામો અંગે દરેક નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે. પરંતુ, બધાની નજર એ વ્યક્તિ પર છે જેઓ ૧૯૮૪થી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીની આગાહી કરી રહ્યા છે. તેનું નામ એલન લિચમેન છે. ઇતિહાસના પ્રોફેસર લિચમેન એ એવા કેટલાક નિષ્ણાતોમાંના એક છે જેમણે ૩૫ વર્ષથી યુ.એસ. ની બધી ચૂંટણીઓની સાચી આગાહી કરી છે. આ વર્ષે વ્હાઇટ હાઉસની રેસ હાલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન વચ્ચે છે.
મીડિયા અહેવાલો અનુસાર, લિચમેને ચૂંટણીની આગાહી માટે ‘ધ કીઝ ટૂ વ્હાઇટ હાઉસ’ નામની સિસ્ટમ વિકસાવી છે. તેને ‘૧૩ કીઝ ‘મોડેલ તરીકે પણ ઓળખાય છે. તેણે આ માટે ૧૩ પ્રશ્નો અથવા મુદ્દાઓનું એક મોડેલ તૈયાર કર્યું છે. જેના સાચા કે ખોટા જવાબના આધારે તેઓ આગાહી કરે છે. આ મોડેલ મુજબ, જો મોટાભાગના પ્રશ્નોના જવાબો ‘હકારાત્મક’ આવે છે, તો પછી જે હાલ પ્રમુખ હોય તેઓ જ ચૂંટણીમાં જીતી આવે છે. જો જવાબ ના હોય તો અમેરિકાને નવા રાષ્ટ્રપ્રમુખ મળે છે.
લિચમેન કહે છે કે આ વર્ષે તેમને પોતાના ‘૧૩ કીઝ’ મોડેલના ૭ પ્રશ્નોના જવાબમાં ‘નકારાત્મક’ અને ૬ પ્રશ્નોના જવાબમાં ‘હકારાત્મક’ જવાબ મળ્યા છે. તેમના મતે ૧૯૯૨ પછી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બનશે જેઓ ફરીથી નહીં ચૂંટાય. ૧૯૯૨માં બિલ ક્લિન્ટને તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ એચડબલ્યુ બુશને હરાવ્યા હતા.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કોરોના વાયરસના ચેપમાંથી સાજા થઈને ફરી એકવાર પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. આ દરમિયાન તેમણે પોતાના હરીફ બીડેનની મજાક ઉડાવી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાને કારણે તેમણે બીડેનની ઠેકડી ઉડાવી હતી.