ડોનાલ્ડ ટ્રમ્પ સચિન-કોહલીના ફેન બન્યા: મોટેરા સ્ટેડિયમમાં ખુબ પ્રશંસા કરી
અમદાવાદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદ સ્થિત મોટેરા સ્ટેડિયમમાં પોતાના સંબોધન દરમિયાન સ્વીકાર્યું કે, આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં અમેરિકી રાષ્ટ્રપતિએ ભારતના તે િ ક્રકેટ સિતારાના નામ લીધા, જેણે વિશ્વ ક્રિકેટમાં ભારતનું નામ રોશન કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિના સ્વાગતમાં સરદાર પટેલ (ગુજરાત) સ્ટેડિયમ પોતાની ક્ષમતાથી વધુ ભરેલું જોવા મળ્યું હતું. ૧ લાખ ૧૦ હજારથી વધુની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમને જોઈને ટ્રમ્પ ગદગદ થઈ ગયા હતા. તેમણે કહ્યું, ‘આજે અમે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારૂ સ્વાગત કર્યું, આજથી ભારત અમારા માટે સૌથી સારો મિત્ર હશે.’
ટ્રમ્પે ભારતીય ક્રિકેટના સિતારાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતે વિશ્વને સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા માટા ખેલાડી આપ્યા છે. સચિન અને વિરાટનું નામ લેતા જ સ્ટેડિયમમાં હાજર લોકોએ તાળીઓ પાડીને ટ્રમ્પના આ સંબોધનનું સ્વાગત કર્યું હતું. સચિન ૨૪ વર્ષના પોતાના આંતરરાષ્ટ્રીય કરિયર દમરિયાન વિશ્વ ક્રિકેટમાં છવાયેલો રહ્યો હતો. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ સદી ફટકારનાર એકમાત્ર ક્રિકેટર છે. બીજી તરફ વિશ્વના નંબર-૧ બેટ્સમેન વિરાટ કોહલીએ સતત પોતાની સિદ્ધિઓથી ખાસ જગ્યા બનાવી લીધી છે. અમદાવાદના મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ચર્ચામાં છે. તેમાં ૧ લાખ ૧૦ હજાર લોકોને બેસવાની ક્ષમતા છે. આ સ્ટેડિયમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આવવાથી વિશ્વમાં તેની હલચલ છે.