ડોર ટુ ડોર સર્વે કરીને રસીના બંને ડોઝ આપવાની કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ કરવા તંત્ર સજ્જ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/vaccine-3-1024x654.jpeg)
પ્રતિકાત્મક
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની મતદાર યાદીમાં સમાવિષ્ટ 18 વર્ષથી વધુ વયના 11,83,219 લાભાર્થીઓના રસીકરણ લક્ષ્યાંક સામે 11,86,043ને કોરોનાની રસીના પ્રથમ ડોઝ આપવામાં આવ્યા
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદીમાં સમાવિષ્ટ 18 વર્ષથી વધુ વયના 11,83,219 લાભાર્થીઓના રાજ્ય સરકાર દ્વારા નિર્ધારીત કરાયેલ રસીકરણના લક્ષ્યાંક સામે 11,86,043 ને તારીખ 25 મી સપ્ટેમ્બર સુધીમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં 16 મી જાન્યુઆરી 2021 થી કોરોના રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
આ મહારસીકરણ અભિયાનને વેગવંતો બનાવવા માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર શરૂઆત થી જ કટીબધ્ધ છે. જેના પરિણામ સ્વરૂપે આજે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 18 વર્ષથી ઉપરના અને મતદાર યાદીમાં નોંધાયેલ લાભાર્થીઓ કરતા પણ વધુ લાભાર્થીઓને કોરોના સામે સુરક્ષા આપતી રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યા છે.
આમ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદિમાં સમાવિષ્ટ 18 વર્ષથી વધુ વયના લાભાર્થીઓમાં 100 ટકા કોરોનાની રસીના પ્રથમ ડોઝનું રસીકરણ થઇ જવા પામ્યુ છે.
તેઓએ વિશેષમાં જણાવ્યું હતુ કે, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલીયાના નેતૃત્વ હેઠળની ટીમ દ્વારા અમદાવાદ જિલ્લાના કુલ 466 ગામો પૈકી 312 ગામોમાં પણ લાભાર્થીઓને અત્યાર સુધીમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપી 100 ટકા કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે.
આગામી સમયમાં બાકી રહી ગયેલા લોકોને ડોર ટુ ડોર સર્વે કરીને કોરોના રસીકરણના બીજા ડોઝ આપવાની કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ કરીને સમગ્ર જિલ્લાના લાભાર્થીઓને કોરોનાની રસીના બંને ડોઝ આપી સુરક્ષિત કરવાની દિશામાં જીલ્લા વહીવટી તંત્ર સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે એ ઉમેર્યુ હતુ.