ડોલરિયા પ્રદેશમાં ઝીરો ટકા વ્યાજે લોન મળે છે
અમદાવાદ, પોતાનો દેશ છોડીને વિદેશમાં જઈને નવેસરથી જિંદગી શરૂ કરવી સરળ નથી. એમાંય જાે વિદેશ વસવાટનું સપનું પૂરું કરવામાં લોન લેવી પડે તો તે પ્રક્રિયા ભારરૂપ લાગે છે.
જાેકે, ગુજરાતનો વધુ એક પ્રદેશ છે જ્યાં કાયદેસર કે ગેરકાયદે વિદેશ સ્થાયી થવા માગતા લોકોને લાખો રૂપિયાની લોન ૦% વ્યાજે મળે છે. એટલું જ નહીં રૂપિયા પાછા આપવાની કોઈ ઉતાવળ નથી હોતી.
લોન મેળવનારને EMIથી પણ રકમ ચૂકતે કરવાની કોઈ ફરજ નથી પડાતી તેમ છતાં તે વ્યક્તિ જેટલી લોન લીધી હોય તેનાથી બમણું સમાજને પાછું આપે છે. ગાંધીનગર જિલ્લાના કલોલનો ૨૧ વર્ષીય અંકિત પટેલ યુએસ જવા માગતો હતો પરંતુ તેની પાસે બેંકમાંથી લોન લેવા યોગ્ય દસ્તાવેજાે નહોતા.
જે બાદ તેણે એક સ્થાનિક ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. આ ટ્રસ્ટે સમાજના લોકો પાસેથી રૂપિયા એકત્ર કરીને ઘણાં યુવાનોનું વિદેશ જઈને અભ્યાસ કરવાનું સપનું પૂરું કર્યું છે. અંકિત માટે પણ આ જ પ્રકારે અઠવાડિયામાં રૂપિયા ભેગા થઈ ગયા અને તેનું અમેરિકા જવાનું સપનું સાકાર થયું. યુએસના પેન્સિલવેનિયામાં અંકિત સેટલ થઈ ગયો પછી તેણે ટ્રસ્ટ પાસેથી લીધેલી લોનની બમણી રકમ પાછી આપી હતી.
ઉત્તર અને મધ્ય ગુજરાતના ડોલરિયો પ્રદેશ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવા કેટલાય ટ્રસ્ટ છે જે યુવક-યુવતીઓને આર્થિક મદદ કરીને તેમનું વિદેશમાં વસવાનું સપનું પૂરું કરે છે. સ્થાનિકોના કહેવા અનુસાર, આ બધા ટ્રસ્ટ અનૌપચારિક છે અને મુખ્યત્વે સ્થાનિક સમુદાયો દ્વારા ચલાવવામાં આવે છે.
કલોલ તાલુકાના ડીંગુચામાં રહેતા ૪૨ વર્ષીય ભાવિન પટેલે કહ્યું કે, દરેક પરિવારમાંથી ઓછામાં ઓછું એક વ્યક્તિ યુએસ, કેનેડા કે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલું છે. જાેકે, આનો અર્થ એવો નથી કે દરેક પાસે પરિવારના સભ્યને વિદેશ મોકલવા માટે પૂરતા રૂપિયા હોય છે.
અમારા ગામમાં એક ટ્રસ્ટ છે જે માત્ર લોકોને વિદેશ મોકલવા માટે રૂપિયા એકઠા કરે છે. ઉલ્લેખનીય છે કે, ડીંગુચા ગામ છેલ્લા થોડા દિવસથી ખાસ્સું ચર્ચામાં છે. આ ગામના એક પરિવારના ચાર સભ્યો ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવાના હતા. કેનેડાની બોર્ડર ક્રોસ કરીને યુએસ પહોંચે તે પહેલા જ -૩૫ ડિગ્રી ઠંડીમાં થીજી જવાના લીધે તેમના મોત થયા હતા.
સામાન્ય રીતે વિવિધ માધ્યમો દ્વારા ઈમિગ્રેશન માટે એક વ્યક્તિને ૧૦થી૧૫ લાખ રૂપિયાની જરૂર પડે છે. ગામનું ટ્રસ્ટ વિદેશ જવા માગતા પુરુષ કે મહિલાને શૂન્ય ટકા વ્યાજે લોન આપે છે.
ઉપરાંત ઈએમઆઈની સિસ્ટમ પણ નથી. છતાં વિદેશમાં સેટલ થઈ ગયા પછી જે-તે મહિલા કે પુરુષ ટ્રસ્ટને સ્વૈચ્છિક રીતે લીધેલી રકમથી ઘણી વધુ રકમ પરત આપે છે, તેમ ભાવિન પટેલે જણાવ્યું. તેમના પરિવારના ચાર સભ્યો ટ્રસ્ટ પાસેથી મદદ મેળવીને યુએસમાં સ્થાયી થયેલા છે.
કડીના એક ગામમાં રહેતા અરવિંદ પટેલ પણ આવું એક ટ્રસ્ટ ચલાવે છે. તેમણે છેલ્લા એક વર્ષમાં ઓછામાં ઓછા ૧૫ લોકોને ઈમિગ્રેશન માટે આર્થિક મદદ પૂરી પાડી છે. જ્યારે અમે જાેયું કે લોકો આર્થિક સંકડાશને કારણે વિદેશ જવામાં મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે અમે અનૌપચારિક ટ્રસ્ટ શરૂ કર્યું અને સમાજના લોકો પાસેથી ફાળો લીધો.
આ રૂપિયાનો ઉપયોગ વિદેશ જવા માગતા યુવાનો પાછળ કરવામાં આવે છે. એકવાર તેઓ ત્યાં સેટલ થઈ જાય પછી લીધેલી રકમ કરતાં ઘણી વધુ રકમ પરત આપે છે”, તેમ અરવિંદ પટેલે જણાવ્યું.
અત્યાર સુધી એવું નથી બન્યું કે, કોઈ વ્યક્તિએ રૂપિયા પાછા ના આપ્યા હોય, તેમ વ્યવસાયે ખેડૂત અરવિંદ પટેલે ઉમેર્યું. તેમણે આગળ કહ્યું, અમે યુએસ જનારા ૧૫ લોકોને કુલ ૨.૫૦ કરોડ રૂપિયા આપ્યા છે. તેમણે ઓછામાં ઓછી ૩ કરોડ જેટલી રકમ પરત કરી છે. અમે આ રકમનો ઉપયોગ વિદેશમાં સ્થાયી થવા માગતા યુવાનોના સપનાં પૂરા કરવા કરીશું.SSS