ડો.ભરત ગઢવી, ડીડીઓ દિલીપ ગઢવીના પિતાનું નિધન
(એજન્સી) અમદાવાદ, એચસીજી હોસ્પીટલ્સના ડીરેક્ટર તથા અમદાવાદ હોસ્પીટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસીએશન (આહના) ના પ્રમુખ ડો.ભરત ગઢવી તથા સુરતના ડીડીઓ દિલીપ ગઢવીના પિતા શિવદાન ગઢવીનું હદયરોગની લાંબી બિમારી બાદ સોમવારે સવારે ૮ર વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયુ હતુ.
એડીશ્નલ કલેકટર તરીકે ફરજ બજાવી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળમાંથી નિવૃત્તિ બાદ શિવદાન ગઢવીએ લેખનને પોતાનુૃં નિત્યજીવન બનાવ્યુ હતુ. અને અખબારોમાં કટાર લેખનની સાથોસાથ તેમણે વિવિધ વિષયો પર પણ ૪૦ થી વધુ રસપ્રદ પુસ્તક લખ્યા હતા.
તેમના લેખન માટે તેમને ઝવેરચંદ મેઘાણી સાહિત્ય એવોર્ડ, મોરારી બાપુના હસ્તે ‘દુલા ભાયા કાગ’ જેવા વિવિધ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાંક દિવસોથી તેઓ હૃદયરોગની સારવાર હેઠળ હતા. તેમની અંતિમક્રિયા તેમના વતન બહુચરાજી પાસે આવેલા સુરપુરા ગામ ખાતે સંપન્ન કરવામાં આવી હતી.