Western Times News

Gujarati News

ડો.સંકેત મહેતા ICUમાં ઓક્સિજન પર હોવા છતાં વોર્ડના ગંભીર દર્દીને ઈન્ટ્યુબેશન કરીને તેનો જીવ બચાવ્યો

૧૦૦ દિવસની લાંબી સારવાર લઈને કોરોનામુક્ત થયેલાં કોરોના વોરિયર ડો.સંકેત મહેતાએ પ્લાઝમા દાન કરી તબીબી ધર્મ સાથે સમાજ પ્રત્યેની નૈતિક ફરજ નિભાવી

તબીબો માત્ર સારવાર જ કરે છે એવુ નથી… પરંતુ સારવારની સાથે સમાજિક દાયિત્વ પણ નિભાવે છે…. આ વતને ચરિતાર્થ કરતો કિસ્સો સૂરતમાં સામે આવ્યો છે. કહેવાય છે કે, ‘ગુજરાતીઓ માટે દાનનો મહિમા જ અલગ હોય છે..તે પછી નાંણાકીય કે હોય કે સેવાકીય… ગુજરાતીઓ પાછા ન જ પડે…

કોરોના ક્રિટીકલ દર્દીઓ માટે પ્લાઝમાની સારવાર ઘણી આશિર્વાદરૂપ નીવડે છે. પ્લાઝમા ડોનેશન માટે સુરતના શહેરીજનો રાજ્યભરમાં અગ્રેસર રહ્યા છે, ત્યારે ૨૦૨૦ના વર્ષમાં કોરોનાના પ્રથમ ફેઝમાં ૧૦૦ દિવસની લાંબી સારવાર લઈને કોરોનામુક્ત થયેલાં સુરતના ૩૯ વર્ષીય એનેસ્થેટીસ્ટ ડો.સંકેત મહેતાએ પ્લાઝમાનું દાન કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

કોરોના વોરિયર ડો.સંકેત મહેતા ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં કોરોનાગ્રસ્ત બન્યાં ત્યારે તેઓ બાપ્સ હોસ્પિટલમાં આઈ.સી..યુ.માં ઓક્સિજન પર હોવા છતાં બાજુના અન્ય ગંભીર દર્દીને ઈન્ટ્યુબેશન કરીને તેનો જીવ બચાવ્યો હતો.

ઈન્ટ્યુબેશન એ મોં અથવા નાક દ્વારા એરવે (શ્વાસનળી)માં વેન્ટીલેટરની ફ્લેક્સિબલ નળી દાખલ કરવાની પ્રક્રિયા છે. ઓક્સિજનનું લેવલ ઘટે ત્યારે વેન્ટિલેટરની સહાયથી બાહ્ય શ્વાસ પૂરો પાડવામાં આવે છે.

વેન્ટિલેટર આંતરડાને શ્વાસ લેવા માટે સક્ષમ કરીને શ્વાસને ટેકો આપવાનું કામ કરે છે. તેમના આ કાર્યની સમગ્ર રાજ્યમાં ભારે સરાહના થઈ હતી. તેમના સમયસૂચકતાભર્યા પગલાંથી ગંભીર દર્દીનો જીવ તો બચી ગયો હતો, પરંતુ ડો.સંકેત મહેતાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. એ સમયે ક્રિટીકલ સ્થિતિમાં હોવાથી એરલિફ્ટ કરી એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

સુરતના પાલ વિસ્તારમાં રહેતાં અને લાઈફલાઈન હોસ્પિટલમાં એનેસ્થેટીસ્ટ તરીકે ફરજ નિભાવતા ડો.સંકેત મહેતાએ જણાવ્યું હતું કે, ‘કોવિડના પહેલાં ફેઝમાં સંક્રમિત થયો ત્યારે મેં કોરોના સામે જીવનમરણનો સંઘર્ષ કર્યો હતો. બાપ્સમાં વેન્ટીલેટર પર રહ્યો,પણ સ્થિતિ ન સુધરતા એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન-ECMO પર રાખવામાં આવ્યો હતો. સુરતમાં દોઢ મહિનો અને ત્યારબાદ વધુ સારવાર અર્થે દોઢ મહિનો ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

સદ્દનસીબે ૧૦૦ દિવસની મેરેથોન સારવાર બાદ કોરોના સામેનો જંગ જીતી ગયો હતો, એક તબીબ હોવાના નાતે મને ખ્યાલ છે કે જિંદગી કેટલી કિંમતી હોય છે. આપણા પ્લાઝમા કોઈ કોરોના દર્દીના જીવનરક્ષક બને છે. હાલ કોવિડના બીજા ફેઝમાં જીવન રક્ષક સમાન ગણાતા વેક્સિનેશનની સાથે પ્લાઝમાંની એટલી જ માંગ હોવાથી જેમના પણ એન્ટિબોડી બન્યા હોય તે દરેક વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે આગળ આવીને આ મહામારીને નાથવામાં સહયોગ આપે તે જરૂરી છે…’ એમ તેઓ કહે છે.

ડો.સંકેતની કોરોનાની સારવાર દરમિયાન પડછાયાની જેમ સાથે રહેલા એનેસ્થેટીસ્ટ ડો.જયેશ ઠકરારે પણ આજે પ્લાઝમા ડોનેટ કર્યું હતું. સુરત એનેસ્થેટીસ્ટ એસોસિએશનના પ્રમુખ ડો.જયેશ ઠકરારે જણાવ્યું હતું કે, કોવિડના પહેલાં ફેઝમાં ડો.સંકેતે બાપ્સ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં અન્ય ગંભીર દર્દીનો જીવ બચાવવા ઉભા થઈને પોતાનું હાઈ લેવલ ઓક્સિજન માસ્ક હટાવી દર્દીને ઈન્ટ્યુબેશન કરાવ્યું હતું. ઈન્ટ્યુબેશન માત્ર એનેસ્થેટીસ્ટ ડોક્ટર જ કરી શકે છે.

આ પ્રેરક કદમથી ૧૦ મિનિટ સુધી તેઓ ઓક્સિજન વિના રહ્યાં હતાં, જેથી તેમની શારીરિક હાલત વધુ કથળી હતી. ત્યારબાદ ક્રિટીકલ સ્થિતિમાં હોવાથી ચેન્નાઈ એરલિફ્ટ કરાયા હતાં. એક સમયે તેમને લંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી દેશભરમાં માત્ર ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલમાં જ લંગ ટ્રાન્સપ્લાન્ટ થતું હોવાથી અદ્યતન એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન-ECMO અને લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નાઈ લઈ જવાયા હતાં. પરંતુ સ્વાસ્થ્યમાં સુધારો આવતાં લંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી ન હતી.

નવી સિવિલ બ્લડ બેંકના ઈન્ચાર્જ ડો. મયુર જરગે જણાવ્યું હતું કે, પ્લાઝમા ડોનેટ કરનાર ડો.સંકેત મહેતાએ અન્ય દર્દીનો જીવ બચાવીને પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો. કોઈ પણ પ્રતિકુળ સંજોગોનું નિર્માણ થાય તો પણ ડોકટરો પોતાનો તબીબી ધર્મ નિભાવવામાં પીછેહઠ કરતાં નથી એ ડો.સંકેતે સાબિત કર્યું હતું. હવે ફરી એક વાર પ્લાઝમા દાન સ્વરૂપે તેમણે પોતાની નૈતિક ફરજ નિભાવી છે. ડો. સંકેતના પરિવારમાં પત્ની, એક પુત્રી અને પિતા છે, જેમણે પણ પ્લાઝમા ડોનેટ કરવાં તેમને પ્રોત્સાહિત કર્યા હતાં.

નવી સિવિલ બ્લડ બેંકના ઈ.ડો.મયુર જરગે જણાવ્યું કે, હાલ કોરોનાનો બીજા તબક્કો ગંભીર છે ત્યારે વધુમાં વધુ લોકો પ્લાઝમાનું દાન આપે તે જરૂરી છે. જે વ્યકિત ૨૮ દિવસ પહેલા કોવિડથી સ્વસ્થ થયા હોય ઉપરાંત જે વ્યકિતએ વેકસીન લીધી હોય તેઓ ૩૦ દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. આ માટે આસિ.પ્રોફેસર ડો.જિતેન્દ્ર પટેલ, બી.ટી.ઓ. સંગીતા વિઠલાણી, કાઉન્સેલર કાજલ પરમહંસ સેવાઓ આપી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.