ડ્રગ્સ માફિયાની નવી મોડસ ઓપરેન્ડી: ખેપિયો ટ્રેનમાં ડ્રગ્સનો જથ્થો સીટની નીચે મૂકી દે છે

પ્રતિકાત્મક
નવજીવન એક્સપ્રેસમાં પેડલર વગર ડ્રગ્સને પહોંચાડવાના ખતરનાક ષડયંત્રનો પર્દાફાશ
અમદાવાદ, ડ્રગ્સનો કાળો કારોબાર અમદાવાદ સહિત ગુજરાતમાં એટલી હદે વધી ગયો છે કે તેને રોકવો પોલીસ માટે પણ અશક્ય થઇ ગયો છે. પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ ડ્રગ્સ માફિયાની ચેઇન તોડવા માટે મહેનત કરી રહ્યા છે, જેમાં તેમને જાેઇએ તેના કરતા વધુ ને વધુ સફળતા મળે તેમ છતાંય ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ માફિયા ફાવી જતા હોય છે.
દરિયાઇ રસ્તે ડ્રગ્સની હેરાફેરી પર ગુજરાત એટીએસ તેમજ પોલીસે રોક લગાવી દીધી છે ત્યારે હવે ટ્રેનમાં ડ્રગ્સની તસ્કરી થતી હોવાનો પર્દાફાશ થયો છે. ગઇકાલે કાલુપુર રેલવે સ્ટેશન પર આવતી નવજીવન એક્સપ્રેસમાંથી ૧.૬૫ લાખની કિંમતનો ૧૬ ગાંજાનો જથ્થો પકડાતા અમદાવાદ અને ગુજરાત કઇ દિશામાં જઇ રહ્યાં છે તેનો અંદાજ લગાવી શકાય છે.
રેલવે પોલીસ તેમજ આરપીએફના જવાનો રેલવે સ્ટેશન પર તહેનાત હતા ત્યારે જગન્નાથપુરીતી નવજીવન એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર ૪-૫ પર આવીને ઊભી રહી હતી. દરમિયાનમાં ટ્રેનના કોચ નંબર ડી-૦૨ના સીટ નંબર-૯૧થી ૧૦૦ની સાઇડમાં એક બિનવારસી બેગ પડી હોવાના સમાચાર મળતાની સાથે પોલીસ તેમજ આરપીએફના જવાનો એક્શન મોડમાં આવી ગયા હતા.
ટ્રેનમાં કોઇ પેસેન્જરની બેગ હોવાનું માની લઇને પોલીસે વોચ કરી હતી, પરંતુ કોઇ બેગ લેવા માટે ન આવતા અંતે સુરક્ષા કર્મચારીઓને શંકા ગઇ હતી અને તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવી દીધી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તરત જ આવી ગઇ હતી અને બેગને ચેક કરતાં તેમાં કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ ન હોવાનું સામે આવ્યું હતું. રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા કોલેજ બેગ ખોલીને ચેક કરતા તેમા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. રેલવે પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ તપાસ શરૂ કરી છે.
સીસીટીવી ફૂટેજ ચેક કરાશે ઃ બિનવારસી મળી આવેલા ગાંજાના ચકચારી કિસ્સામાં પોલીસે તપાસ તેજ કરી છે અને કોલેજિયન બેગમાં મોકલનારને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. પોલીસે અમદાવાદ રેલવે સ્ટેશનના તમામ સીસીટીવી કેમેરા તેમજ જગન્નથાપુરી રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરા ચેક કરશે, જ્યારે પેસેન્જર્સનો ડેટા પણ ચેક કરીને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવશે.
ડી-૦૨ મેં માલ રખ દિયા હૈ તુમ ઉઠા લેના ઃ રેલવે પીઆઇ સી.બી. ચૌધરીએ આ ઘટના અંગે વધુમાં જણાવ્યું છે કે પોલીસમાં પકડાઇ જવાના ડરથી ડ્રગ્સ માફિયાએ નવી મોડસ ઓપરેન્ડી શરૂ કરી છે. ખેપિયો ટ્રેનમાં ડ્રગ્સનો જથ્થો સીટની નીચે મૂકી દે છે. ત્યારબાદ અમદાવાદ કે પછી અન્ય કોઇ જગ્યાના ડ્રગ્સ માફિયાને ફોન કરીને કહી દે છે કે માલ રખ દિયા હૈ. જ્યારે ખેપિયો ડ્રગ્સની ડિલિવરી લેવા માટે રેલવે સ્ટેશન પર આવે ત્યારે તકનો લાભ લઇ બેગ લઇ લેતો હોય છે અને જાે પોલીસનો બંદોબસ્ત વદુ હોય તો તે બેગ ઉઠાવતો નથી.
પેસેન્જર્સ પણ બિનવારસી બેગને અવગણે છે ઃ જ્યારે પેસેન્જર ટ્રેનમાં બેેસે છે ત્યારે તે બિનવારસી બેગને અવગણે છે, જેની પાછળનું સૌથી મોટું કારણ હોય છે તમામ પેસેન્જર્સની અવગણના. એકે પેસેન્જરને એવું હોય છે કે બાજુમાં બેઠેલી વ્યક્તિની બેગ છે, જ્યારે બાજુમાં બેઠેલી વ્યક્તિને એવું હોય છે કે આ બેગ બીજા પેસેન્જરની છે. પેસેન્જર્સની આવી અવગણનાના કારણે સુરક્ષિત બેગ તેના મુકામે પહોંચી જાય છે.