ડ્રગ્સ સિન્ડિકેટના મેમ્બર્સ ઘાતકી હથિયારોના પણ સાથે રાખે છે
ક્રાઇમ બ્રાંચની ટીમે કર્ણાવતી ક્લબ પાસેથી ઝડપેલા ડ્રગ્સકાંડના મુખ્ય સૂત્રધારને હથિયાર સાથે પકડી પાડ્યો
અમદાવાદ, એસ.જી. હાઇવે પર ક્રાઇમ બ્રાંચની ટીમે ૧.૮૯ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ કેસમાં સરખેજના અહમદહુસેન શેખની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે ડ્રગ્સ શાહ એ આલમના જિશાન મેમણ પાસેથી ખરીદીને લાવે છે.
જિશાન સુધી પહોંચવા માટે ક્રાઇમ બ્રાંચે બાતમીદારો એક્ટિવ કરીને તખતો તૈયાર કરીને તેને દબોચી લીધો હતો. જિશાનની ધરપકડ થઇ ત્યારે ક્રાઇમ બ્રાંચ પણ વિચારમાં પડી ગઇ હતી કે રૂપિયા કમાવવા માટે યુવકો કેટલી હદ સુધી જઇ શકે છે. જિશાન ડ્રગ્સ પેડલર હોવાની સાથે સાથે હથિયારોની પણ તસ્કરી કરતો હોવાનો પર્દાફાશ થયો છે. જિશાન પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમને એક પિસ્તોલ અને આઠ જીવતા કારતૂસ મળી આવ્યા છે.
ક્રાઇમ બ્રાંચની ટીમે તારીખ ૨૯ એપ્રિલના રોજ એસ.જી. હાઇવે પર આવેલા કર્ણાવતી ક્લબની પાસેથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે મોહમદસોહેલ ઉર્ફે હાજીબાબા પઠાણ, મોહમદ રાહિલ ઉર્ફે કુરેશી, શક્તિસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછમાં મુંબઇના આમિર અને શાહિદ કુરેશીનું નામ આવ્યું હતું.
ક્રાઇમ બ્રાંચે પાંચે શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ત્રણેય આરોપીની ધરપકડ બાદ શાહિદ કુરેશીની ધરપકડ કરી હતી. શાહિદની પૂછપરછ બાદ સામે આવ્યુ હતું કે સરખેજના અહમદહુસેન શેખ પાસેથી તે એમડી ડ્રગ્સ લાવતો હતો.
ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ આઇ.એમ.ઝાલાએ અહમદહુસેન શેખની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન જાણવા મળ્યુ હતું કે અહમદહુસેનનો મોટો ભાઇ અનવર ઉર્ફે શાકા ગુલામરસૂલ શેખ તેને આ ડ્રગ્સ આપતો હતો.
અનવર અહમદને ફોન કરતો હતો અને કોન્ફરન્સમાં જિશાનને રાખીને ડ્રગ્સ લેવા તેની પાસે મોકલતો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે અનવરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા પરંતુ તે વોન્ટેડ હતો. જેથી જિશાનને દબોચી લેવા ક્રાઇમ બ્રાંચની ટીમે પોતાના બાતમીદારો એક્ટિવ કર્યા હતા.
પીએસઆઇ આઇ.એમ. ઝાલા અને તેમની ટીમને બાતમી મળી હતી કે જિશાન ચંડોળા તળાવ પાસે ઊભો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને જિશાનની ધરપકડ કરી લીધી હતી. જિશાન પાસે ડ્રગ્સનો જથ્થો હોવાનું માનીને તેની અંગ જડતી લીધી હતી પરંતુ તેની પાસેથી ડ્રગ્સ નહીં હથિયાર મળી આવ્યું હતું.
મૂળ ભાવનગરના જિશાન પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમને એક પિસ્તોલ અને આઠ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેથી તે વાત નક્કી હતી કે જિશાન માત્ર ડ્રગ્સ નહીં પરંતુ હથિયારોની પણ તસ્કરી કરી રહ્યો છે. જિશાનની પૂછપરછમાં સામે આવ્યું હતું કે જુહાપુરાના ઇલિયાસ સૈયદ પાસેથી તેણે આ હથિયાર ખરીદ્યું હતું. જિશાને કેટલા હથિયાર ખરીદ્યા તે મામલે વધુ પૂછપરછ શરૂ કરી છે.