તારાપુર અકસ્માત: ડ્રાઇવરને બાજુમાં બેસાડી યુવક કાર ચલાવી રહ્યો હતો
અકસ્માત સમયે ચાલક મુસ્તફા હતો જે માલેગાવ છોકરી જાેવા ગયો હતો અને પરિવાર સાથે પાછો ફરી રહ્યો હતો
આણંદ: બુધવારે એક ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં એકસાથે આવી રહેલા ૯ વ્યક્તિઓનાં મોત નીપજ્યા હતા. બુધવારે સવારે સાડા છ વાગ્યે ભાવનગરના વરતેજ આદમજીનગરના મુસ્લિમ પરિવારને તારાપુર-વટામણ હાઈવે ઉપર અકસ્માત નડ્યો હતો. આમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં જ લાશોનાં ખડકલા થયા હતા.
બીજી બાજુ અકસ્માત સર્જનાર ટ્રક મધ્ય પ્રદેશનો હોવાનું નંબર પ્લેટ પરથી માલુમ પડ્યું છે. જ્યારે ઈકો કાર પેસેન્જર કાર તરીકે નોંધાયેલી છે. અકસ્માત સર્જનાર ટ્રક છે. જ્યારે ઇકો કાર જામનગર આરટીઓમાં નોંધાયેલી છે. મળતી માહિતી પ્રમાણે, આ અકસ્માત સર્જાયો ત્યારે ડ્રાઇવર સીટ પર ડ્રાઇવર નહીં પરંતુ અન્ય હતો. અકસ્માત સમયે ચાલક મુસ્તફા હતા જે માલેગાવ છોકરી જાેવા ગયા હતા.
અને આ પરિવાર ત્યાંથી પાછો ફરી રહ્યો હતો. આ ઉપરાંત માંલેગાવથી ભાવનગરનો સફર ઘણો લાંબો હતો. જેમાં મુસ્તફા સહિત અન્ય એક પરિવારનાં સભ્યએ પણ ગાડી ચલાવી હોવાનાં વીડિયો વાયરલ થઇ રહ્યાં છે.
આ સાથે મુસ્તફા પણ ગાડી ચલાવતો હોય તેવા વીડિયો પણ સામે આવી રહ્યાં છે. તારાપુરના સર્કલ પી.આઈ, આર.એન.વિરાણીનાં જણાવ્યાં પ્રમાણે, અકસ્માત બાદ ૨૦ વર્ષીય ટ્રક ચાલક રાજા બગલની (રહે, નાર, મધ્યપ્રદેશ) ધરપકડ કરવામાં આવી છે. હાલમાં અકસ્માત કેવી રીતે બન્યો તે અંગેની પૂછપરછ રારૂ કરાઈ છે.
ટ્રક ચાલકના કોરોના રિપોર્ટ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે, ઇકો કાર અને ટ્રક સામસામે અથડાતા ઇકો કાર અડધો ટ્રકમાં ઘુસી જતા ઇકોમાં બેઠેલા તમામ મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. ઇકો કારમાંથી મૃતદેહ બહાર કાઢવા ક્રેઇનની મદદ લેવી પડી હતી.
જીવલેણ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. આ કમકમાટીભર્યા અકસ્માતના સમાચાર મળતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સીએમ વિજય રૂપાણી, સાંસદ શક્તિસિંહ ગોહિલ, ભાવનગરના ધારાસભ્ય વિભાવરીબહેન દવે, જીતભાઇ વાઘાણી સહિતના હસ્તીઓએ આ અકસ્માત અંગે શોકની લાગણી પ્રગટ કરી હતી. આ મામલે સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું હતું.
સીએમએ લખ્યું છે કે, આણંદ જિલ્લાના તારાપુરના ઇન્દ્રણજ ગામ નજીક ગમખ્વાર અકસ્માતથી થયેલા મૃત્યુથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ આ ઉપરાંત વડાપ્રધાન પીએમ મોદીએ મૃતકોને રૂ.૨ લાખ અને મુખ્યમંત્રી રૂપાણીએ પણ મૃતકોને રૂ.૨-૨ લાખની સહાયની જાહેરાત કરી હતી.