ડ્રાઈવિંગ લાઈસન્સ સહિતના દસ્તાવેજો હવે 31મી માર્ચ સુધી વેલિડ : સરકાર
નવી દિલ્હી, કોરોનાકાળમાં મોદી સરકારે રવિવારે નાગરિકો માટે અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજોની વેલિડિટી ૩૧મી માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્રના આ નિર્ણયને પગલે ડ્રાઈવિંગ લાઈસન્સ, વાહનોની આરસી બૂક, કારની મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટની કાયદેસરતા જેવા દસ્તાવેજોની સમય મર્યાદા લંબાવાઈ છે. કેન્દ્ર સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં આ નિર્ણય લીધો હતો.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે રવિવારે ડ્રાઈવિંગ લાઈસન્સ સંબંધિત મહત્વની જાહેરાત કરી હતી. મંત્રાલયે ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત વાહનો સાથે સંકળાયેલા અનેક દસ્તાવેજોની કાયદેસરતા ૩૧મી માર્ચ સુધી લંબાવી દીધી છે. તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ, વાહનનું રજિસ્ટ્રેશન (આરસી), વાહનની મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ એક્સપાયર થઈ રહ્યા હોય અને તેને રીન્યુ કરાવવાના હોય તો તે હવે ૩૧મી માર્ચ સુધી વેલિડ એટલે કે માન્ય ગણવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
અગાઉ સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સામાન્ય નાગરિકોને રાહત આપતાં ફેબુ્રઆરી ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૦ વચ્ચે એક્સપાયર થતાં મોટર વ્હિકલ સંબંધિત દસ્તાવેજોની વેલિડિટી ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ સુધી લંબાવી હતી. મંત્રાલયના આ નિર્ણયને પગલે વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) સહિત મહત્વના દસ્તાવેજો એક્સપાયર થતાં હોય તો તેમને ૩૧મી ડિસેમ્બર સુધી રીન્યુ કરાવવાની જરૂર નહોતી.
સૂત્રોએ જણાવ્યું કે, કમર્શિયલ વાહન માલિકોએ સરકારને થોડીક વધુ રાહત આપવાની અપીલ કરી હતી. તેમણે સરકારને સૂચન કર્યું હતું કે, હાલમાં દેશભરમાં સ્કૂલ-કોલેજો બંધ છે. એવામાં સ્કૂલ બસ ઓપરેટરો અને સ્કૂલ વાહન ચાલકોના વાહનો હાલ રસ્તા પર દોડી રહ્યા નથી. તેવા સંજોગોમાં આવા વાહનોને વધુ થોડીક રાહત આપવામાં આવે. મંત્રાલયના નિર્ણયના પગલે હવે ફેબુ્રઆરી ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ વચ્ચે એક્સપાયર થઈ રહ્યા હોય અથવા થઈ ગયા હોય તેવા દસ્તાવેજોને ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી રીન્યુ કરાવવાની જરૂર નથી.